
દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની Maruti Suzuki એ કેટલાક પસંદગીના મોડલ્સની કિંમતો વોલ્યુમ-વેઈટેડ એવરેજ બેસિસ પર લગભગ 0.31 ટકા વધારી દીધી છે. હાલ તો વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે.
બીજું કે, તાજેતરનો ભાવ વધારો એ આ વર્ષે કંપનીનું ચોથું પ્રાઈસ રિવિઝન છે, જે સતત ઈનપુટ કોસ્ટના દબાણને કારણે થયું છે. કંપનીએ લગભગ 0.31 ટકાનો વધારો કર્યો છે પરંતુ વાસ્તવિક ફેરફાર દરેક મોડલમાં અલગ હશે. મારુતિએ એ હાલ નથી જણાવ્યું કે, કયા મોડલ્સ કે વેરિયન્ટ્સ પર અસર પડશે?
આ જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અગાઉના ત્રણ વધારા બાદ થયું છે, જે કુલ મળીને 1 ટકાથી થોડો વધુ હતો. કુલ મળીને તેનો અર્થ એ છે કે, મારુતિની કાર હવે વર્ષની શરૂઆતની સરખામણીમાં થોડી વધુ મોંઘી થઈ ગઈ છે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકો પર અસર ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે.
મારુતિ સુઝુકીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે, તે કોસ્ટ-કટિંગની રીતોથી વધેલા ખર્ચને સહન કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે પૂરતું નથી. કંપનીએ (સતત કોસ્ટ પ્રેશરનો હવાલો આપતાં) કહ્યું કે, વધેલા ખર્ચનો એક ભાગ હવે ખરીદદારો પર નાખવો પડશે.
મટીરિયલ કોસ્ટ હવે મારુતિના નેટ સેલ્સના 79.9 ટકા છે, જે એક વર્ષ પહેલાં 75.7 ટકા હતી. ઓટોમેકરે એ પણ જણાવ્યું કે, સ્ટીલ અને કોપર જેવી જરૂરી ચીજોની કિંમતો અનિશ્ચિત બની રહી છે, જેનાથી માર્જિન પર દબાણ વધી રહ્યું છે.
કિંમતોમાં વધારા છતાં મારુતિ સુઝુકીનું સેલ્સ મજબૂત બનેલું છે. કંપનીએ Q2 FY2027માં 6,96,654 કાર વેચી, જે તેનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ક્વાર્ટર હતો. જો કે, નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 26.36 ટકા ઘટીને 2466.1 કરોડ રૂપિયા થઈ ગયો. પ્રોફિટ માર્જિન 12.7 ટકાથી ઘટીને 9.4 ટકા થઈ ગયું છે.
ઓક્ટોબર 2026માં, મારુતિ સુઝુકીએ 2,76,120 યુનિટ્સનું પોતાનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક સેલ્સ નોંધાવ્યું, જે વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો છે. એક્સપોર્ટ પણ વધ્યું, જે ઓક્ટોબર 2025માં 31,304 યુનિટ્સથી વધીને ઓક્ટોબર 2026માં 49,872 યુનિટ્સ થઈ ગયું, જે 59.32 ટકાનો વધારો છે.