ઓટો સેક્ટરમાં મોટો ધડાકો! JSW MG મોટર ઈન્ડિયાનો માસ્ટર પ્લાન, વર્ષ 2026માં લોન્ચ થશે ‘4 નવા’ દમદાર મોડલ

ઓટોમોબાઈલ સેક્ટરમાં પોતાની હાજરી મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે JSW એમજી મોટર ઈન્ડિયાએ વર્ષ 2026 દરમિયાન ચાર નવા મોડલ બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે.

ઓટો સેક્ટરમાં મોટો ધડાકો! JSW MG મોટર ઈન્ડિયાનો માસ્ટર પ્લાન, વર્ષ 2026માં લોન્ચ થશે 4 નવા દમદાર મોડલ
| Updated on: Feb 17, 2026 | 11:07 AM

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ મેહરોત્રાના જણાવ્યા અનુસાર, કંપની આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં 3,000 કરોડથી 4,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. આ રોકાણ ઉત્પાદન ક્ષમતા વધારવા, નવી ટેકનોલોજી અપનાવવા અને પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત કરવા પર કેન્દ્રિત હશે.

4 મોડલ લોન્ચ થશે

કંપની જે ચાર મોડલ લોન્ચ કરવા જઈ રહી છે, તેમાં એક પ્લગ-ઈન હાઈબ્રિડ વાહન, એક સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર, એમજી મેજેસ્ટર એસયુવી અને બીજા એક નવા મોડલનો સમાવેશ થાય છે, જેનો ખુલાસો હાલમાં કરવામાં આવ્યો નથી. આ લોન્ચ દ્વારા કંપની ઈંધણ, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક ત્રણેય સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે.

તાજેતરમાં 12 ફેબ્રુઆરીએ કંપનીએ એમજી મેજેસ્ટરનું સત્તાવાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા તેને ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પણ રજૂ કરવામાં આવી હતી. આ એક ડી પ્લસ શ્રેણીની 4×4 SUV છે. આનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને કિંમતોની જાહેરાત એપ્રિલમાં લોન્ચિંગની આસપાસ કરવામાં આવશે. ભારતીય બજારમાં તેની સ્પર્ધા ટોયોટા ફોર્ચ્યુનર, જીપ મેરિડિયન, સ્કોડા કોડિયાક અને નિસાન એક્સ-ટ્રેલ જેવા મોડલ સાથે થશે.

અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું કે, રોકાણ મેળવવા માટે કંપની તમામ સંભવિત વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, સંયુક્ત સાહસના બંને ભાગીદારો JSW ગ્રુપ અને SAIC મોટર વ્યૂહાત્મક નિર્ણયોમાં સક્રિયપણે જોડાયેલ છે. બંને પક્ષો વચ્ચે સતત સંવાદથી નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બની છે, જેનાથી કંપનીને આગળ વધવામાં મદદ મળી રહી છે.

JSW ગ્રુપનો કેટલો હિસ્સો છે?

JSW એમજી મોટર ઈન્ડિયા એક સંયુક્ત સાહસ છે. આમાં JSW ગ્રુપનો 35 ટકા હિસ્સો છે, જ્યારે ચીનની SAIC મોટર પાસે 49 ટકા હિસ્સો છે. બાકીનો 16 ટકા હિસ્સો ભારતીય રોકાણકારો પાસે છે, જેમાં નાણાકીય સંસ્થાઓ, ડીલરો અને કર્મચારીઓ જોડાયેલા છે.

ભારત અને ચીનના વ્યવસાયિક સંબંધો પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મેહરોત્રાએ કહ્યું કે, તાજેતરના વર્ષોમાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. વિઝા અને ફ્લાઇટ્સની સુવિધામાં સુધારો થયો છે અને બંને દેશોની કંપનીઓ વચ્ચે ટેકનિકલ સહયોગ વધ્યો છે. ખાસ કરીને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં ટેકનિકલ લાયસન્સિંગ કરારની સંખ્યામાં વધારો થયો છે, જેનાથી ભારતીય સપ્લાયર્સને આધુનિક ટેકનોલોજી સુધી પહોંચ મળી રહી છે.

SAIC પાસેથી ટેકનોલોજી હસ્તાંતરણને લઈને ચિંતાઓ પર તેમણે કહ્યું કે, વ્યવસાયમાં જોખમ સ્વાભાવિક હોય છે પરંતુ તેને સંતુલિત રીતે સંચાલિત કરવું જરૂરી છે. તેમનું માનવું છે કે, જોખમના ડરથી તકોથી દૂર રહી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે, સ્થાનિકીકરણને પ્રોત્સાહન આપવાથી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવતા અવરોધોની અસર ઘટાડી શકાય છે.

ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, દરિયાઈ નૂર (ફ્રેટ) ખર્ચમાં પાછલા વર્ષે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. કન્ટેનર શિપિંગના દરો ક્યારેક 2,400 ડોલર સુધી પહોંચી ગયા પછી ઘટીને લગભગ 700 ડોલર થઈ ગયા અને બાદમાં ફરીથી 1,500 ડોલરની આસપાસ આવી ગયા. આવા ઉતાર-ચઢાવથી બચવા માટે સ્થાનિક સપ્લાય સિસ્ટમને મજબૂત બનાવવી આવશ્યક છે.

EV ની માગ વધશે

ઈલેક્ટ્રિક વાહનોની માંગ પર વાત કરતા મેહરોત્રાએ સ્વીકાર્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST દરોમાં ફેરફાર પછી પેટ્રોલ અને ડીઝલ કારો તુલનાત્મક રીતે સસ્તી થઈ ગઈ, જેનાથી ઈવીના વૃદ્ધિ દરમાં થોડો ઘટાડો થયો. તેમનું કહેવું છે કે, લાંબાગાળે ઈલેક્ટ્રિક વાહનોની ખર્ચ અસરકારકતા મજબૂત બનેલી છે. ઈંધણની બચત અને ઓછો જાળવણી ખર્ચ ગ્રાહકો માટે મોટું આકર્ષણ છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, EV ની માંગ માત્ર મહાનગરો પૂરતી મર્યાદિત નથી. ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકાર્યતા વધી રહી છે. કેટલાક નાના બજારોમાં તો ઈવીનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ નોંધાયો છે.

કંપનીનું માનવું છે કે, વિવિધ ઉત્પાદકો દ્વારા આગામી સમયમાં રજૂ કરવામાં આવનારા નવા ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ મોડલ બજારમાં નવી ઊર્જા ભરશે. વધુ વિકલ્પો ઉપલબ્ધ થવાથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને ઈવી સેગમેન્ટમાં ફરીથી તેજી આવી શકે છે.

આ પણ વાંચો: વૈશ્વિક મંચ પર ભારતની ધાક: Google-Microsoft સાથે ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’માં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની Jio!