ટીવીનાઈનના પત્રકાર ચિરાગ પટેલના મૃત્યુની ઘટનાને લઈને પત્રકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે ટીવીનાઈનની ઓફિસ ખાતે ચેનલના પરીવારે શોકસભા યોજીને પત્રકાર ચિરાગને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહેનત, લગન, ધૈર્યને પોતાનો પર્યાય બનાવનાર મીતભાષી યુવા પત્રકાર ચિરાગ પટેલ આજે આપણી વચ્ચે નથી. તેની અણધારી વિદાય આપણા સૌ કોઇ માટે આંચકારૂપ છે. ચિરાગનું મૃત્યુ ટીવીનાઇન પરિવારના તમામ સભ્યોની સાથે સમગ્ર પત્રકારત્વ જગત માટે આઘાતજનક છે. ચિરાગની અણધારી વિદાય, તેમના પરિવારજનો માટે પણ આંચકારૂપ છે. ત્યારે ટીવીનાઇન પરિવારે આ બાહોશ યુવા પત્રકારને પુષ્પાંજલિ આપતી એક પ્રાર્થનાસભા યોજી હતી.
ટીવીનાઇન પરિવારના તમામ સભ્યોએ સ્વ. ચિરાગને શબ્દો રૂપી અંજલી આપી હતી. ત્યારબાદ ચિરાગના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ઘાંજલિ અર્પી હતી. ટીવીનાઇનના એક હોનહાર કોપી એડીટર તરીકે ચિરાગની છાપ હતી. આ મહેનતુ પત્રકારને યાદ કરતા, ટીવીનાઇનના તમામ સભ્યોએ મીણબતી સળગાવી, જ્યોત પ્રજ્વલિત કરી, ચિરાગને અંજલી આપી હતી. આ પ્રાર્થના સભામાં સ્વ. ચિરાગના પરિવારજનો પણ હાજર રહ્યાં હતા.
ટીવીનાઇન ચેનલના હેડ કલ્પક કેકરેએ ચિરાગને એક ઉત્સાહી પત્રકાર ગણાવી તેના કાર્યની પ્રશંસા કરી હતી. તેઓએ ચિરાગના પરિવારજનોના દુખમાં સહભાગી બની, પરિવારને સાંત્વના આપતા તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. જ્યારે ચેનલના આઉટપુટ હેડ અનિમેષ પાઠકે ચિરાગને મિતભાષી ગણાવી, એક શ્રેષ્ઠ પત્રકાર ગણાવ્યો હતો. ચેનલના ઇનપુટ હેડ વિકાસ ઉપાધ્યાયે પણ સ્વ. ચિરાગના પરિવારજનોને સાંત્વના પાઠવીને ચિરાગને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.
આ ઉપરાંત ટીવીનાઇન પરિવારના મૌલિક મહેતા, અપુર્વ પટેલ, દિવ્યેશ નાગર, અનિલ પટેલ, ભૌમિક વ્યાસ, શિવાની, વિપુલ, સચીન પાટીલ, જસ્મીન અને નૈનાએ સ્વ. ચિરાગ સાથેના સ્મરણોને યાદ કરી શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાર્થનાસભામાં હાજર તમામ સભ્યોએ ભીની આંખે ચિરાગને યાદ કરી, એક જ ભાવના રજૂ કરી હતી કે અમારો ચિરાગ, ક્યારેય નહીં બૂઝાય, તે યાદોમાં હંમેશા પ્રજ્વલિત રહેશે.