
ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ઝપાટો બોલાવવા તૈયાર છે! આગામી 7 દિવસ સુધી રાજ્યના દરેક ખૂણે વરસાદનો માહોલ જામશે, પરંતુ આગામી 48 કલાક ખાસ કરીને ભારે રહેવાના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. શું આ વરસાદ ગુજરાત માટે આશીર્વાદ બનશે કે આફત? હવામાન નિષ્ણાતોની ચેતવણીઓ શું ઈશારો કરે છે ? ચાલો જાણીએ
ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાનમાં બનેલી વરસાદી સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દ્વારકામાં મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. તો સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ આપ્યુ છે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.
જોકે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ બની શકે છે, પરંતુ શહેરી વિસ્તારોમાં આફતનું જોખમ પણ લઈને આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદી માહોલ જામશે, જ્યારે 21થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. પરંતુ હવામાન નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જુલાઈના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે ગુજરાતના રેકોર્ડ તોડી શકે છે.
23 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 28 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં મુશળધાર વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ પોતાની તાકાત બતાવી દીધી છે. જૂન અને જુલાઈમાં અત્યાર સુધી 51 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, જે સામાન્યથી ઘણો વધુ છે. ખેડૂતો માટે આ વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગયા વર્ષે પૂરે હાહાકાર મચાવ્યો હતો, અને હવે ફરી એકવાર તંત્રને સાવચેત રહેવાની જરૂર છે.