
રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વડોદરા, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતઅમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે એટલે કે 26 નવેમ્બરે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો શહેરમાં રહેતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. કેટલીક જગ્યાએ કરા પડ્યા છે, તો ક્યાંક પાણી ભરાવા અને વૃક્ષો પડી ગયાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત વીજળી ગુલ થવાની પણ ઘટનાઓ સામે આવી હતી.
શિયાળામાં જ્યારે રવિપાકને લઈને ખેડૂતોએ મોટી અપેક્ષા હતી, પરંતુ માવઠું આ અપેક્ષા પર પાણી ફેરવી દે તેવી સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં પાકને ભારે નુકસાન છે. તો કેશોદમાં તુવેરના છોડ ઢળી પડ્યા છે. મહેસાણાની કડી APMCમાં મોટા પ્રમાણમાં જણસી પલળી છે. તો ગોંડલ યાર્ડમાં પણ કપાસ, ડુંગળી, મરચાંનો માલ પલળ્યો છે. સુરતના ઓલપાડમાં તબેલા જમીનદોસ્ત થયા છે, અને ઘાસચારો પલળી જતાં પશુપાલકોને ભારે નુકસાન થયું છે.