Mucormicosis case: અમદાવાદ સહિત રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસનાં કેસમાં ઉછાળો, 80% લોકોને કોરોના બાદ રોગ લાગુ પડ્યો કે જેમને સ્ટીરોઈડ અપાયુ હતું

|

May 27, 2021 | 8:07 AM

Mucormicosis case: રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા પણ મ્યુકોરના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતના ૬ શહેર-જિલ્લામાં બુધવારે મ્યુકોરમાઇકોસિસના ૭૯ નવા કેસ સાથે ૫ દર્દીના મોત નિપજ્યાં

Mucormicosis case: રાજ્યમાં કોરોના (Corona)નાં કેસો ઘટયા પણ મ્યુકોરના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતના ૬ શહેર-જિલ્લામાં બુધવારે મ્યુકોરમાઇકોસિસના ૭૯ નવા કેસ સાથે ૫ દર્દીના મોત નિપજ્યાં છે. જો કે રાજકોટમાં ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

વડોદરા શહેરમાં બુધવારે મ્યુકરના ૨૨ નવા કેસ સાથે એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં અત્યારસુધી કુલ ૨૮૦ કેસ થયાં છે. વલસાડ જિલ્લામાં એક નવા કેસ સાથે બે દર્દીના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૩ અને મૃત્યુ આંક ૭ થયો છે. અમદાવાદ સિવિલમાં મ્યુકરના વધુ ૨૫ કેસ નોંધાયા છે.

ઉપરાંત વધુ એક દર્દીનું મોત થયું છે. તેની સાથે હાલ સિવિલમાં કુલ દાખલ દર્દીની સંખ્યા ૪૭૧ થઇ છે. એટલે અત્યાર સુધીમાં સિવિલના કુલ દર્દીનો આંકડો ૭૫૦ને પાર થયો છે. રાજકોટમાં મ્યુકરના વધુ ૧૭ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૬૦૦ની સપાટીને વટાવી ગઇ છે. જ્યારે ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

જો કે રાજકોટ સિવિલમાં પાંચ ઓપરેશન થિયેટરો કાર્યરત હતા. હવે વધુ બે ઓપરેશન થિયેટરનો વધારો કરાયો છે. સુરત શહેરમાં બુધવારે સરકારી અને ખાનગી હોસ્પિટલના મળીને મ્યુકોરમાઇકોસિસના કુલ ૧૦ નવા કેસ અને એક મોત નોંધાયું છે. તેની સાથે સુરતમાં કુલ દાખલ દર્દીની સંખ્યા ૨૪૯ અને કુલ કેસની સંખ્યા ૪૧૧ થઇ છે. અત્યારસુધી સુરતમાં ૨૨ લોકોને મ્યુકર ભરખી ગયો છે. જ્યારે જામનગરમાં પણ બ્લેકફંગસના વધુ ૪ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૨૪ થઇ છે.

અમદાવાદમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં એ ખાસ જોવાયું છે કે 80 ટકા લોકોને કોરોના થયા બાદ આ રોગ લાગુ પડ્યો છે અને આ તમામને સ્ટીરોઈડ અપાયું હતું. માત્ર અસારવા સિવિલની જ વાત કરીએ તો હાલમાં અહીં 335 દર્દી દાખલ છે.

જ્યારે અત્યાર સુધી 650 દર્દી દાખલ થયા છે જ્યારે 80 ટકાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે જેમાંથી 80 ટકાને સ્ટીરોઇડ અપાયુ હતુ તો 90 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોરોના બાદ દાખલ થયા હતા એમાંથી 10 ટકા દર્દીઓ એવા હતાં જેઓ ઘરે રહ્યા હતાં છતાં તેમને મ્યુકોરમાઈકોસીસ થયો છે. એટલે કે કોરોનાથી બચી ગયા તો હવે આ નવી વ્યાધિમાં ફસાયાની લાગણી દર્દીઓ અનુભવી રહ્યા છે.

Next Video