Valsad: કોલક નદીમાં પથ્થર તોડવા થતાં બ્લાસ્ટથી મકાનોમાં તીરાડો પડી, ગામલોકો આંદોલન કરશે

|

May 23, 2022 | 10:44 PM

કોલક નદીમાં પથ્થરો તોડવા માટે રાત દિવસ વારંવાર ભૂમાફિયાઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. આ બ્લાસ્ટની તિવ્રતા એટલી વધુ હોય છે કે નદી કિનારાથી દૂર મકાનો રીતસર ધ્રુજે છે.

પાડાને વાંકે પખાલીને ડામ કહેવત તો તમે સાંભળી હશે. હવે આ કહેવત સાચી પડી રહી છે વલસાડ (Valsad) પંથકમાં. વલસાડના અંચાબ ગામની કોલક નદી (Kolak river) માં રેતી કાઢવા અને પથ્થર તોડવા માટે દિવસ રાત બ્લાસ્ટ કરવામાં આવે છે. હવે આ બ્લાસ્ટથી નદી નજીકના મકાન ધ્રુજવા લાગ્યા છે. ગરીબોના આશિયાનામાં તિરાડ પડવા લાગી છે. રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે ગામલોકો (villagers) એ કામગીરી બંધ કરવા આંદોલનનું શસ્ત્ર ઉગાવ્યું છે.

વલસાડ જિલ્લાના અંબાચ ગામના મકાનમાં આ તિરાડ જોઈને પહેલી નજરે તમને લાગશે કે, ધરતીકંપના કારણે મકાન જર્જરિત થઈ ગયું હશે એટલે મકાનમાં તિરાડ પડી હશે. પરંતુ તમે જેવું વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. આ તિરાડ, ઘરમાં નુકસાન અને લોકામાં ડરનું કારણ છે તંત્ર. અને કોલક નદીમાં થતા બ્લાસ્ટ. કોલક નદીમાં પથ્થરો તોડવા માટે રાત દિવસ વારંવાર ભૂમાફિયાઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. આ બ્લાસ્ટની તિવ્રતા એટલી વધુ હોય છે કે નદી કિનારાથી દૂર મકાનો રીતસર ધ્રુજે છે. ઘરની અંદર વાસણ પડી જાય છે. મકાનની દિવાલ પર તિરાડ પડી જાય છે. બ્લાસ્ટના કારણે લોકોને ઉંઘ પણ આવતી નથી.

આ અંગે સ્થાનિકો દ્વારા વર્ષ 2014થી આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે જોખમી ક્વોરીઓ બંધ કરાવવાના આ અભિયાનમાં હવે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે ગ્રામજનોને એકત્ર કરી રાત્રિસભા શરૂ કરી છે. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

Next Video