કમોસમી માવઠા બાદ હવે વારો આવ્યો શેરડી પકવતા ખેડૂતોનો, સુગર મીલોમાં નથી આવી રહી શેરડી

|

Dec 09, 2023 | 11:44 PM

હાલમાં જ પડેલા કમોસમી વરસાદની અસર ધીમે ધીમે ખેડૂતોને વરતાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સુગર મિલો વિશેષ આવેલી છે, પરંતુ કમોસમી માવઠા બાદ આ મિલોમાં શેરડીના પીલાણ માટે શેરડી ઓછી આવી રહી છે. જેની સીધી અસર ખાંડના ઉત્પાદન પર પડી રહી છે. શક્ય છે કે તેની અસર આવનારા સમયમાં ખાંડના ભાવો પર પણ પડે. પણ એ પહેલાં વ્યારાના ખેતરો અને સુગર મિલોમાં જઈને જોઈએ કે આખરે સ્થિતિ શું છે ?

કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે વારો આવ્યો શેરડી પકવતા ખેડૂતોનો કારણ કે ભીની શેરડીના પીલાણની સમસ્યા છે. સુગર મીલોમાં શેરડી  નથી આવી રહી દક્ષિણ ગુજરાતમાં શેરડીનો ખાસો એવો પાક થાય અને અને અહીં સુગર મિલો પણ વધુ છે.

જેમાં પ્રતિદિન સેંકડો ટન શેરડી પીલાણ માટે આવતી હોય છે, પરંતુ માવઠાને પગલે સુગર મિલોની ગાડીઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતી નથી અને એટલે આ તૈયાર થયેલી શેરડી આ મીલોમાં પીલાણ માટે આવી શકતી નથી, પરિણામે ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ખેડૂતોને કમોસમી વરસાદ બેવડો માર મારી રહ્યો છે, તો સુગર મિલો પર પણ તેની વિપરીત અસર વરતાઈ રહી છે, જેમાંની જ એક એટલે વ્યારાના ખુશાલપુરા ગામે આવેલી સુગર મિલ અહીં પણ સેંકડો ટન ખાંડ ભીંજાવાની સાથે સાથે પીલાણ માટે આવતી શેરડીમાં પણ નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે.

આમ જોવા જઈએ તો જગતના તાતને માથેની ઘાત ઓછી નથી થઈ રહી. ક્યારેક કુદરતી તો ક્યારેક કૃત્રિમ આફતમાં ખેડૂતો ઘેરાયેલા રહે છે. જોકે આ વખતે ખેડૂતોની સાથે સુગર મિલોની પણ ફિકર વધી છે કેમકે શેરડીનો જથ્થો આવવાનું ઘટી ગયું છે. બની શકે કે આવનારા સમયમાં ખાંડના ભાવો પર તેની અસર પડે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા, તાપી)

Next Video