પ્રથમ ગ્રાસે મક્ષિકા! શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ કચ્છમાં વિરોધ, શિક્ષકોની ઘટ મુદ્દે ગ્રામજનો વિફર્યા

|

Jun 23, 2022 | 11:49 PM

અનેક રજૂઆત બાદ સમસ્યા ન ઉકેલાતા વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ એમ જણાવ્યું કે,  યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાલીઓ વિદ્યાર્થીઓને (Student) અભ્યાસ માટે નહીં મોકલે.

રાજ્યની (Gujarat) તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં (School) તા.23,24,25 જુન દરમિયાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે શાળા પ્રવેશ ઉત્સવના પ્રથમ દિવસે જ કચ્છમાં વિરોધ થયો છે. કચ્છના પાનેલી ગામમાં શિક્ષકોની ઘટ મામલે શાળા પ્રવેશ ઉત્સવનો લોકોએ બહિષ્કાર કર્યો છે.

શાળા પ્રવેશ ઉત્સવનો વિરોધ કરી ગ્રામજનોએ પાનેલી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી. વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. અનેક રજૂઆત બાદ સમસ્યા ન ઉકેલાતા વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ એમ જણાવ્યું કે,  યોગ્ય કાર્યવાહી નહી થાય ત્યાં સુધી વાલીઓ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં મોકલે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને શિક્ષણનો રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા 2003થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. જેના પરિણામે રાજ્યમાં 1990-91માં જે ડ્રોપ આઉટ રેશિયો 64.48 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને 2020-21 માં 3.7 ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહીં, 2004-05માં ગ્રોસ એનરોલમેન્ટ રેટ 95.65 ટકા હતો તે વધીને 2020-21 માં 99.02 ટકા જેટલો ઊંચો ગયો છે.

Next Video