સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. પોશીના તાલુકાના ગૌરી ફળો ગામના લોકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસોથી આ સમસ્યા અહીં જેમની તેમ છે. પોશીનામાંથી પસાર થતી સેઈ નદીમાં ચોમાસાનુ પાણી આવતા આ વિસ્તારના ગામના લોકોને સામે કિનારે પહોંચવામાં સમસ્યા સર્જાય છે. પ્રસુતિ અને બિમારીના સમયે પરિસ્થિતી વિકટ બની જતી હોય છે. આવી જ રીતે એક પ્રસુતાને પિડા ઉપડતા તેને દવાખાને લઈ જવા માટે ઝોળીમાં લઈને તેમનો પરિવાર નદી પાર કરવા માટે નદીના વહેતા પાણીમાં ઉતરવા મજબૂર બને છે.
ગૌરીફળો થી કાલી કંકર ગામ સુધી પ્રસુતાને તેના પરિવારજનોએ ઝોળીમાં લઈને ઉંચકીને ચાલીને લઈ જવી પડે છે. પરિવારજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવુ પડ્યુ હતુ. ગૌરી ફળો ગામમાં અઢી હજાર લોકોની વસતી આવેલી છે અને તેમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં નેતાઓ અને અધિકારીઓ આવે છે પરંતુ તેમની સમસ્યા એમની એમ જ રહે છે.