Ahmedabad: ધોળકાના કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી, ઈંજેક્શન, દવા, કોવિડ રસીના ડોઝ મેદાનમાં રઝળતા દેખાયા

|

May 26, 2022 | 5:56 PM

અમદાવાદના ધોળકાના કોઠ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી જોવા મળી હતી. અહીં તબીબ કે, સ્ટાફ કોઈ ફરજ પર હાજર ન હતા.

Ahmedabad: અમદાવાદના ધોળકાના કોઠ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (primary health center) લાલિયાવાડી જોવા મળી હતી. અહીં તબીબ કે, સ્ટાફ કોઈ ફરજ પર હાજર ન હતા. તો દવા લેવા આવતા દર્દી કેસબારી પર પહોંચે તો પંખા, લાઈટ ચાલુ જોવા મળે. પરંતુ કેસ કાઢવા માટે કોઈ વ્યક્તિ હાજર ન હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેદાનમાં મેડિકલ વેસ્ટ, સીરિંઝ સાથેના ઈન્જેક્શન અને કોવિડ રસીના ડોઝ પણ મેદાનમાં રઝળતા દેખાયા હતા. આ મેડિકલ વેસ્ટની સાથે મેદાનમાં દારૂની બોટલ પણ પડી હતી. મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાનો નિયમ છે. પરંતુ અહીં તો આરોગ્ય કેન્દ્રના સ્ટાફની બેદરકારીના કારણે મેદાનમાં બધુ વેર-વિખેર પડ્યું હતું. આમ છતાં અધિકારીઓ તો બધુ નિયમ મુજબ થતું હોવાનું કહીને બચાવ કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતા.

ફોર્મ સી રિન્યુઅલ મુદ્દે ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સે હડતાળ પાડી

અમદાવાદમાં ફોર્મ સી રિન્યુઅલ મુદ્દે આજે ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ હડતાળ પાડી હતી. ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ મોટરસાઈકલ-કાર રેલી યોજી હતી અને ત્યારબાદ ધરણા યોજીને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. હોસ્પિટલના રજિસ્ટ્રેશન એટલે કે સી ફોર્મ રિન્યુઅલ ન થવાના કારણે 400 જેટલી હોસ્પિટલ-નર્સિંગ હોમ્સને આજે તાળાં લાગી ગયાં હતાં. જેના કારણે શહેરની બે હજાર જેટલી ખાનગી હોસ્પિટલોએ થોડા દિવસ પહેલાં જ બે દિવસની હડતાળ પાડી હતી. પરંતુ હજુ સુધી રિન્યુઅલના મુદ્દાનું નિરાકરણ ન આવતાં આજે બપોરે 2.30 કલાકે ડૉક્ટર્સ મોટરસાઈકલ અને કાર રેલી યોજી હતી. રિવરફ્રન્ટ નજીક વલ્લભસદનથી રેલી શરૂ કરી હતી અને તે આશ્રમ રોડથી ટાઉનહોલ, એલિસબ્રિજ, ખમાસા થઈને દાણાપીઠ કોર્પોરેશન સુધી પહોંચી હતી. જ્યાં ધરણા પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આપ્યું હતું. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર વિરેન શાહે કહ્યું કે- સત્તાધીશોને ફોર્મ સી રિન્યુઅલ અને બીયુ પરમિશન બાબતે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Published On - 5:56 pm, Thu, 26 May 22

Next Video