મોરબીમાં સ્કૂલના બાળકોને જોખમી રીતે રિક્ષા અને વાનમાં બેસાડવાનો વીડિયો થયો વાયરલ, ઘેટા બકરાની જેમ ખચોખચ ભર્યા બાળકો

|

Feb 03, 2024 | 7:38 PM

ફરી એકવાર રાજ્યમાં સ્કૂલના બાળકોના જીવ જોખમમાં મુકી ક્ષમતા કરતા વધુ બાળકોને રિક્ષામાં અને વાનમાં બેસાડી લઈ જવાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કુમળા બાળકોને જોખમી રીતે ઘેટાબકરાની જેમ રિક્ષામાં ભરવામાં આવ્યા છે.

રાજ્યમાં ફરી એકવાર નિયમોને નેવે મુકી બાળકોના જીવ જોખમમાં મુકવાનો વીડિયો સામે આવ્યો છે. વાત છે મોરબીની જ્યાં સ્કૂલના બાળકોને ઘેટા બકરાની જેમ ઓટો રિક્ષામાં અને વાનમાં બેસાડવામાં આવ્યા છે. રિક્ષામાં અને વાનમાં ક્ષમતા કરતા પણ વધુ બાળકોને બેસાડવામાં આવ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મોરબીના હળવદ રોડ પરનો હોવાનુ અનુમાન છએ. બાળકો કઈ સ્કૂલના છે તે તો જાણી શકાયુ નથી પરંતુ રિક્ષામાં ખચોખચ બાળકોને ભરવામાં આવ્યા છે. બાળકોને લઈને જતી આ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વાને અકસ્માત સર્જ્યો તો જવાબદાર કોણ ?

જોખમી રીતે બાળકોને લઈ જવાતા આ દૃશ્યો ખરેખર ચિંતા ઉપજાવનારા છે. વડોદરાની હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકોની હજુ રાખ પણ ઠંડી થઈ નથી. આટલી દુર્ઘટનાઓ ઘટતી હોવા છતા કેમ તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં નથી આવતો. કેમ બાળકોને વાહનમાં ખચોખચ બેસાડવામાં આવે છે ? સરકારે નક્કી કરેલી 5 બાળકોની નિયત મર્યાદાથી વધુ બાળકોને રિક્ષામાં કેમ ભરવામાં આવે છે. વાહનોમાં બાળકોની સલામતી માટે કેમ વાલીઓ, શાળાઓ કે ટ્રાફિક પોલીસ ગંભીર થતી નથી. આટલા બાળકોને લઈને જતી રિક્ષાવાળા સામે સ્કૂલ સંચાલકો કેમ કોઈ કાર્યવાહી કરતા નથી. કેમ ટ્રાફિક પોલીસના જવાનો આવા રિક્ષાચાલકો સામે કોઈ દંડનિય કાર્યવાહી કરતા નથી.

આ પણ વાંચો: Breaking News: જુનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATSએ માગ્યા હતા 14 દિવસના રિમાન્ડ

વાલીઓ પણ પોતાના બાળકોને આ રીતે રિક્ષામાં બેસાડવાની મૂક સંમતિ શા માટે આપે છે? તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાને અભાવે જ આ રિક્ષા ચાલકો અને વાનચાલકો આ પ્રકારે બાળકોને ખચોખચ બેસાડવાની હિંમત કરી શકે. ત્યારે તંત્ર કેમ કડક હાથે કામગીરી કરતુ નથી તે પણ મોટો સવાલ છે.

Input Credit- Rajesh Ambaliya- Morbi

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:38 pm, Sat, 3 February 24

Next Video