Monsoon 2022: ભારે વરસાદે અમદાવાદના હાલ બેહાલ કર્યાં, મોટા ભાગના રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકો ફસાયા

|

Jul 11, 2022 | 7:38 AM

મીઠાખળી, સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડેલા ભારે વરસાદ (rain) ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. મોટા ભાગના રસ્તા (Road) પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે રાત્રે ઘરે જઈ રહેલાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. પાર્કિંગમાં પાર્ક કરેલી આખેઆખી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ તરફ દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુધી વરસાદનું પાણી ભરાયું હતું. તો નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો હતો. તો જીવારાજ પાર્કની મહિમા એપાર્ટમેન્ટમાં પણ ઘરમાં પાણી ઘૂસ્યા હતા.. જ્યારે જૂહાપુરા મેઈન માર્કેટમાં કમર સુધી પાણી ભરાયા હતા. થલતેજમાં પણ ઘરોમાં પાણી ભરાયાં છે. વિહારધામ એપાર્ટમેન્ટમાં ઘરોમાં પાણી ઘુસ્યા હોવાના સમાચાર છે. વારંવારની ફરિયાદ છતાંય કોઈ ઉકેલ ન આવ્યાનો સ્થાનિકોનો આરોપ લગાવી રહ્યા છે. તો અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.. જેના પગલે આજે શાળા-કોલેજો બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે.

ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે.

Next Video