Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

|

Aug 17, 2022 | 7:47 PM

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ધરોઈ ડેમમાં કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.

Mehsana: સાર્વત્રીક વરસાદ બાદ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેથી બપોરે દોઢ વાગ્યાની સ્થિતિ મુજબ ધરોઈ ડેમમાં કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સવારે 9:30 કલાકે 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં પાણીની સતત આવક વધતા કુલ 6 દરવાજા ખોલાયા છે. સાબરમતી નદીમાં હાલ પાણી છોડાઈ રહ્યું છે. પાણીની આવક અને પાણી છોડાતા કાંઠા વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુકતેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તંત્ર સતર્ક

પાટણ જિલ્લાના મોકતેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. સરસ્વતી અને મોયણી નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા આપી સૂચના આપવામાં આવી છે. સિદ્ધપુર મામલતદારે જાહેરનામું બહાર પાડયું છે અને તલાટીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યો છે. પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અને પાણીના પ્રવાહમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો છલકાયા

રાજ્યમાં સારા વરસાદના કારણે લોકોને મુશ્કેલી તો છે. પરંતુ પાણીની સમસ્યા હલ થઇ જશે. કારણ કે, રાજ્યના ઘણા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6 લાખ 54 હજાર 680 ક્યુસેક નોંધાઈ છે. તો ઉકાઇ ડેમ અને ધરોઇ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. તે જ રીતે ભાદર ડેમ, મેશ્વો જળાશય પણ ભરાવા આવ્યા છે. તો મોક્તેશ્વર અને હસનાપુર ડેમ પણ છલોછલ થઇ ગયા છે. તો દાંડીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. જ્યારે ઉકાઇ ડેમના છ દરવાજા ખોલી 84 હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. હાલ ડેમની સપાટી 335.51 ફૂટ પર પહોંચી છે. ડેમની જળસપાટી ભયજનક સપાટીથી સાડા નવ ફૂટ દૂર છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

Next Video