Kheda : ગ્રામ્ય વિસ્તારના બાળકો પ્રાથમિક શાળામાં (Primary school) પોષણયુક્ત ભોજન મેળવે તે હેતુસર સરકાર મધ્યાહન ભોજન યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં અવાર-નવાર તેમાં બેદરકારી સામે આવતી હોય છે. આ અંગે Tv9એ ખેડામાં જુદી-જુદી શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું. જેમાં ખેડા જિલ્લામાં મધ્યાહન ભોજનનાં સંચાલનમાં લાલિયાવાડી સામે આવી છે.
આ પણ વાંચો Gujarat Rain : ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ, જુઓ Video
મધ્યાહન ભોજનના ટાઈમ ટેબલના મેનુ પ્રમાણે બાળકોને ભોજન ન અપાતું હોવાનો ખુલાસો થયો છે. Tv9એ જે કેન્દ્રો પર મુલાકાત કરી તે કેન્દ્રો પર બાળકોને અપાતા કઠોળનો નાસ્તો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. બાળકોના મધ્યાહન ભોજનમાં કઠોળ જાણે ગાયબ જ થઈ ગયું છે. મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં ચાલુ માસે ચણા અને મગનો જથ્થો જ ફાળવવામાં નથી આવ્યો. આ અંગેની કબૂલાત મધ્યાહન ભોજનના સંચાલકોએ કરી છે. તેમનો આરોપ છે કે આગળથી જ કઠોળનો જથ્થો આવ્યો નથી.
મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી લાલીયાવાડી પાછળ યોગ્ય સંચાલનનો અભાવ પણ કારણભુત મનાઇ રહ્યો છે. બાળકો માટેની આ યોજના પર કોઇની દેખરેખ ન હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાના નાયબ કલેક્ટર પાસે એકથી વધુ ચાર્જ છે. આવા સંજોગોમાં બાળકોના મધ્યાહન ભોજનની ચિંતા કોણ કરે તે લોકોના મનમાં એક મોટો સવાલ છે.