Surat: સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો, ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી

|

May 05, 2022 | 5:15 PM

સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે.

સુરત (Surat) ના ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder Case) માં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માંના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી.

આ પહેલાં 26 એપ્રિલના રોજ આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. માત્ર બચાવ પક્ષના વકીલે જ કોર્ટમાં હાજરી આપી હતી. આજે બંને પક્ષકારોની કોઈ રજૂઆત હોય તો તે કરી શકે તે માટે કોર્ટે બંને પક્ષને સમય આપ્યો હતો. જો કે હવે કોર્ટ 5 મેના રોજ દોષિત ફેનિલને સજા જાહેર કરશે. બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે અંગે દલીલ કરી હતી. બીજી તરફ સરકાર પક્ષના વકીલે ફેનિલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલ કરી હતી. ત્યારે બંને પક્ષની દલીલો બાદ 5 મેના રોજ સજા સંભળાવવાનું નક્કી કર્યું હતું.

મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી.

16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પૂરાવા તપાસ્યા બાદ ફેનિલને 21 એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.

Published On - 11:44 am, Thu, 5 May 22

Next Video