Breaking News : હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરના ઠાકોરના વિવિધ મનોરથના લાગામાં થયો તોતિંગ વધારો
ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને ખર્ચવા પડતા હતા માત્ર 610 રૂપિયા અને હવે ખર્ચવા પડશે ₹2500 રૂપિયા. એ જ શિખર ઉપર 52 ગજની ધજા ચડાવવા ભક્તને ખર્ચવા પડતા હતા પહેલા 2500 રૂપિયા હવે ખર્ચવા પડશે 11 હજાર રૂપિયા.
ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના ભક્તોએ હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે. ડાકોર મંદિરે મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા ખૂબ જ મોંઘા બનશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર (લાગા) માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર વધારવામાં આવ્યા છે.
ડાકોર મંદિરે મનોરથના લાગામાં ધરખમ વધારો
- ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને ખર્ચવા પડતા હતા માત્ર 610 રૂપિયા અને હવે ખર્ચવા પડશે ₹2500 રૂપિયા
- એ જ શિખર ઉપર 52 ગજની ધજા ચડાવવા ભક્તને ખર્ચવા પડતા હતા પહેલા 2500 રૂપિયા હવે ખર્ચવા પડશે 11 હજાર રૂપિયા
- બાધા માનતાના રાજભોગમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 3900 રૂપિયા હવે ભરવા પડશે 9345
- ભક્ત દ્વારા કરાવતા કુંજ મનોરથમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 5100 રૂપિયા અને હવે ભરવા પડશે 11 હજાર
- પહેલા ભક્તોને જો તુલસી વિવાહ કરાવવો હોય તો ભરવા પડતા હતા 25,000 અને હવે ભરવા પડશે 51,000
ભક્તોના ખિસ્સા પર પડશે સીધી અસર
મંદિર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરના વ્યવસ્થાપન, જાળવણી અને વધતા ખર્ચને પહોંચી વળવા માટે આ દરમાં વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ભાવમાં કરાયેલા સીધા બમણા અને કેટલાક કિસ્સામાં તેનાથી પણ વધુ વધારાને કારણે ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
ડાકોરમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવે છે અને વિવિધ મનોરથ તથા પૂજાવિધિ કરાવે છે. આવા સમયમાં થયેલા આ ભાવવધારાની અસર સામાન્ય ભક્તોના ખિસ્સા પર સીધી પડશે તેવી ચર્ચા ચાલી રહી છે.