Gandhinagar: વિધાનસભાનું એક ખાસ સત્ર મળશે પણ તેમાં કોઈ ધારાસભ્ય નહીં હોય, જાણો કોણ ચલાવશે વિધાનસભા ગૃહ

|

May 24, 2022 | 1:55 PM

આ એક દિવસીય સત્રમાં રાજ્યનો એક પણ ધારાસભ્ય કે મંત્રી ભાગ લેશે નહીં. આ સત્રમાં મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પણ પોતાનું સ્થાન શોભાવશે નહીં, પણ તેમના સ્થાનો અલગ જ સમુદાયના સભ્યો બેસીને ગૃહ ચલાવશે.

દેશમાં ગુજરાત (Gujarat) ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. જૂલાઇ માસના પ્રથમ સપ્તાહમાં વિધાનસભા (Legislative Assembly) નું એક ખાસ સત્ર (special session) યોજાવાનું છે. આ એક દિવસીય સત્રમાં રાજ્યનો એક પણ ધારાસભ્ય કે મંત્રી ભાગ લેશે નહીં. આ સત્રમાં મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પણ પોતાનું સ્થાન શોભાવશે નહીં. આમ છતાં તમામ 182 બેઠકો પર પ્રતિનિધીઓ બેસશે અને મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે પણ આવા જ પ્રતિનિધી બેસશે. આમ વિધાનસભાના સામાન્ય સત્ર જેવું જ આ સત્ર હશે પણ તેમાં બેસનારા સભ્યો પ્રજાએ ચૂંટેલા ધારાસભ્યોને બદલે આપણી ભાવી પેઢીના સભ્યો હશે.

વાત જાણે એમ છે કે લાઇ માસના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાનું એક ખાસ સત્ર યોજાવાનું છે, જેમાં વિધાનસભામાં 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે. CM અને વિપક્ષના નેતા પણ વિદ્યાર્થી જ હશે. દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવશે અને આ રીતે યુવા વર્ગને લોકશાહી પદ્ધતિથી નજીક લાવવા પ્રયાસ કરાશે. ધો.11 અને 12ના વિદ્યાર્થી માટે આ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી CM બનશે. એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે. એક વિદ્યાર્થી વિપક્ષ નેતા તરીકે નિમાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય બનશે.

વિધાનસભાના આ એક દિવસીય સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ પણ યોજાશે. અમુક વિદ્યાર્થીઓને મંત્રીની પણ જવાબદારી સોંપાશે. આ સત્ર યોજવા માટે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મંજૂરી આપી દીધી છે. હવે આ સત્ર માટે વિદ્યાર્થીઓને પસંદ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

Next Video