Breaking News : ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં ! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ, પકડવા પાંજરા પણ મુકાયા
ઉપરકોટ કિલ્લામાં ગઈકાલે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કિલ્લા પરિસરમાં દીપડાની હાજરીની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી છે, ત્યારે સલામતીના ભાગ રૂપે પ્રવાસીઓ માટે તાત્કાલિક ઉપરકોટ બંધ કરવામાં આવ્યો છે
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ગઈકાલે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કિલ્લા પરિસરમાં દીપડાની હાજરીની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી છે, ત્યારે સલામતીના ભાગ રૂપે પ્રવાસીઓ માટે તાત્કાલિક ઉપરકોટ બંધ કરવામાં આવ્યો છે તેમજ દીપડાને પકડવા પાંજરા પણ મુકવામાં આવ્યા છે.
દીપડાને પકડવા પાંજરા મુકાયા
વન વિભાગને દીપડાની જાણકારી મળતા જ તેને પકડવા માટે વન વિભાગ દ્વારા ઉપરકોટમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષાના પગલે કિલ્લો કરાયો બંધ
સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરકોટ કિલ્લો હાલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીપડો પકડાય ત્યાં સુધી અથવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી કિલ્લો અનિશ્ચિત સમય માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. કોઈ અણધારી ઘટના કે માનવ-વન્યજીવ સંઘર્ષ ન થાય તે માટે વન વિભાગે તાત્કાલિક ધોરણે ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓનો પ્રવેશ અટકાવી દીધો છે.
વન વિભાગનું સર્ચ ઓપરેશન
હાલ વન વિભાગની ટીમ દ્વારા કિલ્લાની અંદર અને આસપાસના જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવા માટે કિલ્લા પરિસરમાં અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દેવાયા છે. વન અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય અને વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત ન જાહેર થાય ત્યાં સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ યથાવત રહી શકે છે.
લોકોએ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો
કિલ્લાની સુંદરતા જોવા આવેલા સૂર્યપ્રકાશમાં દીવાલ પર આરામથી બેઠેલા દીપડાને જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક ઉત્સાહી પ્રવાસીઓએ આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બાદ તંત્ર એક્શનમાં આવી ગયુ હતુ.

