Ahmedabad: જાન લઈને પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત, વરરાજા સહિત 20થી વધુ લોકો ઘાયલ

|

May 27, 2022 | 5:26 PM

અમદાવાદના માધુપુરા મોજડી બજારમાં રહેતો એક સીસોદીયા પરિવાર જાન લઈને ડીસા ગયો હતો. લગ્ન વિધિ પૂર્ણ કરી ગત રાત્રે જાન પરત આવવા નીકળી હતી. અને તે જાન લઈને પરત આવતી બસનો મહેસાણા શંકુ વોટર પાર્ક પાસે અકસ્માત સર્જાયો હતો.

Ahmedabad: મળતી માહિતી પ્રમાણે અમદાવાદના માધુપુરા મોજડી બજારમાં રહેતો એક સીસોદીયા પરિવાર જાન લઈને ડીસા ગયો હતો. લગ્ન વિધિ પૂર્ણ કરી ગત રાત્રે જાન પરત આવવા નીકળી હતી. અને તે જાન લઈને પરત આવતી બસનો મહેસાણા શંકુ વોટર પાર્ક પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વરરાજા સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વરરાજા તેના પિતા સહિત પરિવારજનો ઘાયલ

ઘાયલ વરરાજા દિનેશ શ્યામભાઈ સીસોદીયાના જણાવ્યા પ્રમાણે તેઓ પ્રાઇવેટ બસમાં જાન લઈને પરત આવતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જાતા બસ ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનામાં બસમાં 50 લોકો હતા જે માંથી 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 15 જેટલા ઘાયલને અસારવા સિવિલમાં લાવવા આવ્યા અને સારવાર આપવામાં આવી હતી. ઘયલ થયેલામાં વરરાજા તેના પિતા, બે બહેન સહિત પરિજનોનો સમાવેશ થાય છે. જેમાં એક બહેનને દોઢ વર્ષની બાળકી પણ છે. જેનો આબાદ બચાવ થયો હતો. વરરાજાની માતા અને પત્નીને સામાન્ય ઇજા પહોંચી હતી.

વરરાજા અને તેના પરિજનોએ જણાવ્યું કે, રાત્રે જાન નીકળી અને સવારે 4 વાગે આસપાસ જ્યારે મહેસાણા શંકુ વોટર પાર્ક પાસે બસ પહોંચી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજા અને તેના પરિજનોનો આક્ષેપ છે કે, દ્રાઈવરની બેદરકારીના કારણે બસ ડિવાઈડર પર ચડતા અકસ્માત સર્જાયો. દ્રાઈવર ફૂલ સ્પીડે બસ ચલાવતો હતો. જેને ધીમી ચલાવવા કહેવાયું હતું. જોકે ડ્રાઈવરએ અન્ય વર્ધિ હોવાથી જલ્દી પહોંચવાનું જણાવી બસ સ્પીડમાં ચલાવી અને આ અકસ્માત સર્જાયાનો આક્ષેપ કર્યો હતો. જે અકસ્માતમાં બસ 200 મીટર સુધી રોડ પર ઘસડાઈ. અને તેમાં જાનૈયાઓ ઘાયલ થયા. જે બાદ સ્થાનિક અને જૈયાઓ માંથી કેટલાકે મળી બસ માંથી તમામને બહાર કાઢ્યા અને સારવાર માટે મોકલી આપ્યા હતા. મહત્વનું છે કે, અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જે બાદ જાનૈયાઓનું રેસ્ક્યુ કરી ક્રેનની મદદ લઈને બસને સીધી કરવામાં આવી હતી. સાથે જ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. તો વરરાજાની ફરિયાદ આધારે પોલીસે ફરાર બસ ચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.

Published On - 5:26 pm, Fri, 27 May 22

Next Video