અહીં ચાલે છે અંજનીસુતની અદાલત, જાણો મેહંદીપુરના બાલાજીનો મહિમા

| Edited By: | Updated on: Apr 23, 2022 | 10:47 AM

પવનસુત મલિન તત્વોથી મુક્તિ અપાવનારા મનાય છે. પણ, રાજસ્થાનના મેહંદીપુરમાં આવેલા બાલાજી મંદિરમાં ડગલે ને પગલે આ વાતની પ્રતીતિ કરાવતા દ્રશ્યો જોવા મળે છે. કહે છે કે જેનામાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી છે તેવી વ્યક્તિઓ તો મંદિરમાં પગ મૂકતા પણ ડરે છે !

ભૂત પિશાચ નિકટ નહીં આવે,

મહાવીર જબ નામ સુનાવે ।।

નાસે રોગ હરે સબ પીરા,

જપત નિરંતર હનુમંત બીરા ।।

જેમણે અનેક અસુરોનો સંહાર કર્યો અને જેમણે સ્વયં શ્રીરામજીના મનોરથને સિદ્ધ કર્યું તેવા પવનસુત મલિન તત્વોથી મુક્તિ અપાવનારા મનાય છે પણ રાજસ્થાનના મેહંદીપુરમાં આવેલું બાલાજી મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં ડગલેને પગલે આ વાતની જાણે કે પ્રતીતિ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને ધર્મના તર્ક ભિન્ન હોઈ શકે ! અમે કોઈ દાવાનું સમર્થન નથી કરી રહ્યા. પણ, એવાં અનેક લોકો છે કે જેને બાલાજીના પ્રત્યક્ષ પરચાની પ્રતીતિ થતી જ રહી છે.

રાજસ્થાનના દૌસા જિલ્લામાં મેહંદીપુર કરીને જગ્યા આવેલી છે. અહીં આવેલું હનુમાન મંદિર એ મેહંદીપુર બાલાજીના નામે પ્રસિદ્ધ છે. પવનપુત્ર અહીં બાળ રૂપે વિદ્યમાન થયા છે. જો કે અંજનીસુતના આ બાળરૂપના સામર્થ્ય અંગે રસપ્રદ દાવાઓ થતા રહ્યા છે. કહે છે કે હનુમાનજીના આ સ્વયંભૂ રૂપની આભા જ કંઈક એવી છે કે અહીં મલિન તત્વો પ્રવેશ જ નથી કરી શકતા! એટલું જ નહીં જેનામાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી છે તેવી વ્યક્તિઓ તો મંદિરમાં પગ મૂકતા પણ ડરે છે. એ જ કારણ છે કે નકારાત્મક ઊર્જાથી પીડાતા લોકોને અહીં ખાસ દર્શન માટે લાવવામાં આવે છે. ભૂત-પ્રેત સંબંધી બાધાઓના નિવારણ માટે અહીં કાર્ય કરવામાં આવે છે.

મેહંદીપુરના મુખ્ય મંદિરમાં બાલાજી સાથે બાબા ભૈરવ અને પ્રેતરાજ સરકાર પણ બિરાજમાન થયા છે. સ્થાનિકોના મતે અહીં આ ત્રણેવની અદાલત ચાલે છે. મેહંદીપુરમાં પ્રવેશનારા મલિન તત્વોને સર્વ પ્રથમ મંદિરના કોતવાલ એટલે કે ભૈરવ બંદી બનાવી દે છે. ત્યારબાદ મેહંદીપુરના બાલાજી પાસે અપરાધી તત્વોની સુનવણી થાય છે. અને બાલાજીના નિર્ણય અનુસાર પ્રેતરાજ સરકાર અપરાધી પ્રેતાત્માઓને દંડ દે છે !

આ દાવામાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે. પણ, ઝોળીમાં નંખાઈને કે પરાણે પકડીને અહીં લવાયેલા કેટલાય લોકો અહીંથી એકદમ સાજા થઈને પરત ફર્યા હોવાના તો અનેક પરચા છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણી લો, વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે હનુમાનજીના કયા સ્વરૂપની કરવી જોઈએ પૂજા ?

આ પણ વાંચોઃ વિશ્વમાં બીજે ક્યાંય નથી થતાં હનુમાનજીના આવાં અદભુત રૂપના દર્શન, જાણો અકરામુખીનું રહસ્ય !