
તમે નુસરત ફતેહ અલી ખાનના ગીત સાંભળેલા હશે. તેમાંથી એક ગીત ‘તુમ્હે દિલ્લગી ભૂલ જાની પડેગી’ સાંભળ્યું જ હશે. લોકોને આ ગીત આજે પણ એટલું જ ગમે છે જેટલું તે પહેલા ગમતું હતું. જો કે આ ગીતને ઘણા લોકોએ પોતાના અવાજમાં ગાયું છે અને ફેમસ પણ થયું છે. હવે તેનું આવું વર્ઝન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
જે દિલ્હીની ‘આબોહવા’ને દર્શાવે છે. આ ગીતમાં તમને કોઈની પ્રેમ કે રોમેન્ટિક ગીત સાંભળવા નહી. બલ્કે તમને દિલ્હી-એનસીઆરના પ્રદૂષણની વાત સાંભળવા મળશે. બે યુવાનો એ મળીને આ ગીતને એટલું સુંદર બનાવ્યું છે કે તે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે છોકરાઓ ગિટાર અને હાર્મોનિયમ સાથે અગાશી પર બેઠા છે અને પછી ગીત લલકારવાનું શરૂ કરે છે. તેના ગીતના બોલ આ પ્રકારે છે, ‘તુમ્હે ક્લીન હવા ભૂલ જાની પડેગી, દિલ્હી એનસીઆર મેં આકે તો દેખો’. ગીતમાં તેણે અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં તેમણે ગીતો દ્વારા મત માંગવા આવેલા નેતાઓને પણ ખેંચ્યા છે. દિલ્હી-એનસીઆરની ઝેરી બનેલી હવા પર આ ગીત બન્યું છે અને તે જબરદસ્ત સર્જનાત્મકતાનું ઉદાહરણ છે.
મળતી માહિતી મુજબ હાર્મોનિયમ ગાયકનું નામ નિર્ભય ગર્ગ છે, જ્યારે ગિટાર વગાડે છે તે યુવાનનું નામ વાસુદેવમ છે. તેના આ ગીતની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. એક લાખથી વધુ લોકોએ વીડિયોને પસંદ કર્યો છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આખરે કોઈએ સામાજિક જાગૃતિ માટે પગલું ભર્યું છે’. જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘આ બંને છોકરાઓની પ્રતિભા અને રમૂજની ભાવના અદ્ભુત છે’.
દિવાળી પહેલા જ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને દિવાળી પર લોકોએ ફટાકડા ફોડ્યા બાદ આખો વિસ્તાર ગેસ ચેમ્બર બની ગયો છે. દિવાળી પછી દિલ્હીમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે અહીંનો AQI 435 ને પાર કરી ગયો છે.
નોઈડામાં AQI 418 ને પાર કરી ગયો છે અને લોકોના શ્વાસ રૂંધાતા થઈ ગયા છે. ગુરુગ્રામમાં AQI 390 ને વટાવી ગયો છે. આ ઝેરી હવાને કારણે આંખમાં બળતરાની સમસ્યા તો છે જ તેમજ સ્કીનને પણ નુકસાન કરી રહી છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.