સનાતન ધર્મમાં મંદિર (MANDIR) દર્શન અને પ્રદક્ષિણાનું ખુબ મહત્વ છે. આપ પણ અનેક મંદિરોના દર્શનાર્થે ગયા હશો, અને સાથે જ તે મંદિરમાં પ્રદક્ષિણા પણ કરતા હશો. આપણે સૌ જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશ માત્રથી વ્યક્તિને સહજપણે જ શાંતિનો અહેસાસ થાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે પ્રદક્ષિણા આપણે કેમ કરી છીએ ? ચાલો આજે આપણે જાણીએ કે પ્રદક્ષિણાનો અર્થ શું છે અને પ્રદક્ષિણા થી શું ફાયદો થાય.
આપણા શાસ્ત્રોમાં વર્ણન અનુસાર કેટલાક દર્શન પ્રધાન દેવતા છે તો કેટલાક પ્રદક્ષિણા પ્રધાન દેવતા. કેટલાક મંદિરોમાં ફક્ત દર્શન થાય તો કેટલાક મંદિરોમાં પ્રદક્ષિણા વગર દર્શન અપૂર્ણ ગણાય. ઋગવેદમાં પ્રદક્ષિણા સંબંધી જાણકારી વિસ્તૃત રૂપમાં વર્ણિત છે. ઋગવેદમાં જણાવાયું છે કે પ્રદક્ષિણા એટલે પ્રા + દક્ષિણા. ‘પ્રા’નો અર્થ થાય છે આગળ વધવું, અને ‘દક્ષિણા’ એટલે દક્ષિણ દિશા. એટલેકે દક્ષિણ દિશા તરફ આગળ વધવું. એટલે જ આપણે દક્ષિણ દિશા તરફથી પરિક્રમા કરીએ છીએ.
એવું કહેવાય છે કે મંદિરમાં સ્થાપિત દેવી દેવતાની મૂર્તિ કે પ્રતિમા સંપૂર્ણ મંદિર પરિસરને સકારાત્મક ઉર્જાથી સંપન્ન રાખે છે. એવું કહેવાય છે કે શરીરના જમણાં અંગો દેવી દેવતાઓની તરફ રાખી પરિક્રમા કરવામાં આવે તો એક વિશેષ ઉર્જા ઉત્પન્ન થાય છે.
જે ઉર્જા વ્યક્તિના દેહ, બુદ્ધિ અને મનના વિકારને દુર કરે છે. જપ દ્વારા કે મંત્ર સ્તોત્રના પઠન દ્વારા વાચા શુદ્ધિ થાય છે, પણ એવું કહેવાય છે કે એક જગ્યાએ બેઠા રહેવાથી મનમાં અનેક વિચારો આવે છે જ્યારે પ્રદક્ષિણાથી વિચારોની ગતિ ધીમી રહે છે. અને પરિણામે શરીર શુદ્ધિની સાથે ચિત્ત શુદ્ધિ પણ થાય છે.
આપણા શાસ્ત્રોમાં વર્ણિત તમામ બાબતો ને સદીઓથી પરંપરાની જેમ આપણે નિભાવી રહ્યા છીએ. પરંતુ આ પરંપરાઓના શાસ્ત્રોક્ત આધારની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ છે અને ફાયદાઓ પણ છે. આસ્થાથી થતી ઉપાસના અને પ્રદક્ષિણા શારિરીક અને માનસિક રોગને દુર કરે છે. આશા છે કે હવે જ્યારે આપ પણ કોઈ મંદિરમાં પ્રદક્ષિણા કરશો તો એ ચોક્કસ યાદ રાખશો કે પ્રદક્ષિણાથી મન અને શરીર બંન્નેની શુદ્ધિ થાય છે.
આ પણ વાંચો :જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !