ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) એ પ્રથમ વખત સિંગાપોર ઓપન (Singapore Open 2022) નો ખિતાબ જીત્યો છે. આ સિઝનનું આ તેનું ત્રીજું ટાઈટલ છે. પીવી સિંધુએ રવિવારે ફાઇનલમાં વર્લ્ડ નંબર 8 જી યી વાંગને હરાવી હતી. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ લગભગ 4 મહિના પછી કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તેણે આ વર્ષે માર્ચમાં સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે સેમિ ફાઇનલમાં 32 મિનિટની મેચમાં જાપાનની નીચલા ક્રમાંકિત સાઇના કાવાકામી સામે 21-15, 21-7 થી જીત નોંધાવી હતી. 2022ની સિઝનમાં આ તેનું પહેલું સુપર 500 ટાઇટલ છે. ફાઈનલ મેચની વાત કરીએ તો બંને વચ્ચે જોરદાર મેચ રમાઈ હતી. પીવી સિંધુએ પહેલી ગેમ જેટલી સરળતાથી જીતી હતી એટલી જ સરળતાથી બીજી ગેમ હારી ગઈ હતી. પરંતુ ત્રીજી ગેમમાં એવું જોવા મળ્યું હતું કે બંને ટાઇટલ માટે આમને-સામને છે.
પહેલો સેટઃ પીવી સિંધુએ ફાઇનલ મેચમાં પહેલા સેટમાં શાનદાર પ્રદર્શન કરતા 21-9 થી સરળતાથી જીત મેળવી હતી. પહેલા સેટમાં ચીની ખેલાડી વાંગે પહેલા 2 પોઈન્ટ સાથે લીડ મેળવી લીધી હતી. પરંતુ તે પછી પીવી સિંધુએ સતત 11 પોઈન્ટ મેળવીને ચીનની ખેલાડી પર દબાણ બનાવ્યું હતું. જો કે આ પછી ચીની ખેલાડી વાંગે પુનરાગમન કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટા ગેપને કારણે ચીનની ખેલાડી પીવી સિંધુ પર દબાણ બનાવી શકી નહીં.
બીજો સેટઃ પહેલો સેટ હાર્યા બાદ ચીનના ખેલાડીએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી અને પીવી સિંધુને હરાવીને મેચને રોમાંચક બનાવી દીધી. ચીની ખેલાડી વાંગે બીજા સેટની શરૂઆતમાં જ સતત 5 પોઈન્ટ લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. 0-5થી નીચે રહ્યા બાદ પીવી સિંધુએ શાનદાર કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે બીજી ગેમમાં પાછળ રહી ગઈ હતી અને બીજો સેટ 11-21થી હારી ગઈ હતી.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China’s Wang Zhi Yi
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022
ત્રીજો સેટઃ બંનેએ ત્રીજા સેટની શરૂઆત આક્રમક રીતે કરી હતી અને બંને વચ્ચેની શરૂઆતમાં જબરદસ્ત મેચ જોવા મળી હતી. 2-3 થી પાછળ રહ્યા બાદ ભારતીય સ્ટાર પીવી સિંધુએ બાઉન્સ બેક કરીને 4-3ની લીડ મેળવી હતી. આ પછી પીવી સિંધુએ તેને 11-6 કરતા જોઈને 9-6 ની સરસાઈ મેળવી અને 5 પોઈન્ટની મજબૂત લીડ લીધી. જોકે આ પછી ચીની ખેલાડી વાંગે સતત 2 પોઈન્ટ મેળવીને આ અંતર ઘટાડ્યું હતું અને એક તબક્કે પીવી સિંધુની લીડ ઘટીને 12-10 થઈ ગઈ હતી. લીડ ગુમાવતા જોઈને ભારતીય ખેલાડી પીવી સિંધુએ વધુ આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને જોરદાર સ્મેશ ફટકારીને 4 પોઈન્ટની લીડ મેળવી હતી. પીવી સિંધુએ દબાણ બનાવીને ચીનની ખેલાડીને ભૂલ કરવા મજબૂર કરી અને ત્રીજી ગેમ 21-15થી જીતી લીધી અને સાથે સાથે ટાઇટલ પણ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
Published On - 11:58 am, Sun, 17 July 22