
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ પૂર્ણ થયા બાદ પાકિસ્તાન ફરી એકવાર દુનિયાની સામે શરમજનક સ્થિતિમાં મુકાયું છે. હકીકતમાં, પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ ટીમ હોટલમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો, જે બાદ પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન (PBF) ફરી એકવાર ગંભીર વિવાદોમાં આવી ગયું છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ બાદ પાકિસ્તાની એથ્લેટ વિદેશની ધરતી પર આ રીતે ગુમ થયા હોય. લગભગ દરેક મોટી ટૂર્નામેન્ટ પછી પાકિસ્તાની બોક્સરો વિદેશમાં રોકાયા હોય અથવા ભાગી ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી છે.
પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (POA)ના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુદરતુલ્લાહ કોમનવેલ્થ ગેમ્સમાં તેની વેઈટ કેટેગરીમાં ભાગ લીધા બાદ ટીમ હોટલમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કુદરતુલ્લાહનો પાસપોર્ટ ટીમ મેનેજર પાસે જમા હતો. આમ છતાં તે સુરક્ષા અને મેનેજમેન્ટને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એથ્લેટ રવિવારે ઘરે પરત ફરવાનો હતો, પરંતુ ટીમ સ્કોટલેન્ડ છોડે તેના છ કલાક પહેલા તે ગુમ થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, કુદરતુલ્લાહને બોક્સિંગ ટૂર્નામેન્ટના પ્રારંભિક રાઉન્ડમાં બહાર થવું પડ્યું હતું, પરંતુ તે રાષ્ટ્રીય ટીમના અન્ય સભ્યોની સાથે ગ્લાસગોમાં જ રહ્યો હતો. તે છેલ્લીવાર રવિવારે (2 ઓગસ્ટ) સવારે 2:00 વાગ્યે તેની હોટલના રૂમમાં જોવા મળ્યો હતો. જ્યારે તે સવારે હોટલની લોબીમાં ટીમ સાથે જોવા મળ્યો ન હતો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પાકિસ્તાની ખેલાડીઓ વિદેશમાં ગાયબ થવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. બર્મિંગહામમાં યોજાયેલ CWG 2022 દરમિયાન બે બોક્સર સુલેમાન બલોચ અને નઝીરુલ્લા ખાન પણ ગાયબ થયા હતા. તે સમયે તેમનો પાસપોર્ટ પણ મેનેજર પાસે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇટાલીના બુસ્ટો એરેસિગિયો શહેરમાં યોજાયેલ વર્લ્ડ ઓલિમ્પિક ક્વોલિફાયર 2024 દરમિયાન એશિયન ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર ઝોહૈબ રાશિદ તેના પોતાના રૂમમેટના રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરીને રાતોરાત ગાયબ થઈ ગયો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં પાકિસ્તાનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું. આખી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને માત્ર એક બ્રોન્ઝ મેડલ મળ્યો, જે મહિલા બોક્સર ફાતિમા ઝહરાએ જીત્યો હતો. પાકિસ્તાનના 36 ખેલાડીઓ અને અધિકારીઓની પાકિસ્તાની ટુકડી ફક્ત એક મેડલ એન નિરાશાજનક પ્રદર્શન સાથે પોતાના દેશ પરત ફરી છે.