IND vs AUS 3rd ODI Match Result: ભારતીય ટીમની કંગાળ રમત, ગુમાવી વનડે શ્રેણી, નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય

India Vs Australia ODI Match Result 2023: મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચ ભારતે જીતી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી.

IND vs AUS 3rd ODI Match Result: ભારતીય ટીમની કંગાળ રમત, ગુમાવી વનડે શ્રેણી, નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય
| Updated on: Mar 22, 2023 | 10:25 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ ભારતે ગુમાવી દીધી છે. સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમ લક્ષ્યનો પિછો કરતા 248 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થયો છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની 4 ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ ભારતે 2-1 થી જીતી હતી. બુધવારે ચેન્નાઈમાં વનડે સિરીઝ અને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની અંતિમ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય બોલિંગ આક્રમણ સામે 49 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 269 રન નોંધાવીને ઓલઆઉટ થઈ હતી. આમ ભારત સામે 270 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. ભારત તરફથી કોહલીએ અડધી સદી નોંધાવી હતી. ભારતે અંતિમ વનડે મેચ 21 રનથી ગુમાવી હતી. આ સાથે જ સિરીઝ પણ 2-1 થી ગુમાવી હતી.

એડમ ઝંપાએ 4 વિકેટ ઝડપીને ભારત સામે મુશ્કેલીઓ સર્જી દીધી હતી. ભારતીય ટીમે નિર્ણાયક મેચમાં જ પાણીમાં બેસી ગઈ હતી. ભારતીય બેટરોએ ફરી એકવાર ફ્લોપ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી અને એક સમયે જીત માટે મજબૂત સ્થિતીમાં પહોંચીને મેચ હાથમાંથી સરકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ઓલ આઉટ થવા છતાં શરુઆત અને અંતમાં રન નિકાળતા ભારત સામે પડકારજનક સ્કોર ખડક્યો હતો. આ પહેલા વનડે સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી અને જેમાં ભારતે જીત મેળવી હતી. જ્યારે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવતા સિરીઝ 1-1 થી બરાબર થઈ હતી.

કોહલીની મહત્વપૂર્ણ ઈનીંગ

ટીમ ઈન્ડિયાએ રન ચેઝ કરવાની શરુઆત શાનદાર રીતે કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે 65 રનની પાર્ટનરશિપ વડે શરુઆત કરી હતી. રોહિત શર્માએ 17 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. રોહિતે આ દરમિયાન 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત એબોટનો શિકાર થયો હતો. મોટા શોટના ચક્કરમાં તે કેચ ઝડપાયો હતો. શુભમન ગિલે 49 બોલનો સામનો કરીને 37 રન નોંધાવ્યા હતા. ગીલે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે એલબીડબલ્યુ આઉટ એડમ ઝંપાના બોલ પર થયો હતો. કેએલ રાહુલે 50 બોલમાં 32 રન નોંધાવ્યા હતા. રાહુલ વિશાળ શોટ રમવાના પ્રયાસમાં બાઉન્ડરી પર એબોટના હાથે કેચ ઝડપાયો હતો. અક્ષર પટેલ પાંચમાં ક્રમે રમવા માટે આવ્યો હતો. ઉપર રમવા આવેલો અક્ષર પટેલ રન આઉટ થઈ ને પરત ફર્યો હતો. અક્ષરે 2 રન નોંધાવ્યા હતા.

વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી હતી. કોહલીની આ રમત ટીમ માટે પયોગી હતી, જોકે તે એળે ગઈ હતી. તેણે 72 બોલનો સામનો કરીને 54 રન નોંધાવ્યા હતા. કોહલીએ 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કોહલી બાદ હાર્દિક પંડ્યાએ રમત સંભાળી હતી. તેણે 40 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોકે તેણે ઝંપાના બોલ પર પર ખોટો શોટ રમી લેતા વિકેટ ગુમાવી દીધી હતી. તે સીધો જ સ્ટીવ સ્મિથના હાથમાં કેચ ઝડપાયો હતો. રવિન્દ્ર જાડેજા પણ 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.

હાર્દિક અને કુલદીપે 3-3 વિકેટ ઝડપી

આ પહેલા ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 269 રનનો સ્કોર નોંધાવ્યો હતો. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે જબરદસ્ત બોલિંગ પ્રદર્શન કર્યુ હતુ. હાર્દિકે પહેલા બોલ વડે શાનદાર પ્રદર્શન બતાવતા 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગ કરતા 40 રનનુ યોગદાન આપ્યુ હતુ. કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી.

Published On - 10:10 pm, Wed, 22 March 23