
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણીની શરુઆત વિશ્વકપ પહેલા રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ મોહાલીના આઈએસ બીન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન કેએલ રાહુલ સંભાળીી રહ્યો છે, રાહુલે ટોસ જીતીને મોહાલીમાં પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ સુકાનીના ટોસ બાદ બોલિંગના નિર્ણયના વ્યુહને પાર પાડવા રુપ ઓસ્ટ્રેલિયન બેટર્સને નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી હતી. મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 276 રનમાં ઓલઆઉટ થયુ હતુ.
શરુઆતમાં જ એટલે કે પ્રથમ ઓવરમાં શમીએ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડીને તોડી દેવાની સફળતા મેળવી હતી. ત્યાર બાદ જોકે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે 94 રનની ભાગીદારી રમત રમી હતી. ત્યાર બાદ બંનેની વિકેટ પણ હાંસલ કરી લેતા ઓસ્ટ્રેલિયન ટીમની રમત ધીમી બની ગઈ હતી. આમ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સને નિયંત્રણમાં રાખવામાં મોટી સફળતા મેળવી હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ અંતમાં સ્કોરબોર્ડને ઝડપથી ફેરવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમ અંતિમ ઓવરમાં સમેટાઈ ગઈ હતી.
ઝડપથી ઓપનર મિચેલ માર્શને પેવેલિયન પરત શમીએ કરી દેતા જ કાંગારુ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. માર્શ માત્ર 4 રનના ઓસ્ટ્રેલિયન ટીમના સ્કોર પર જ પરત ફર્યો હતો. માર્શે ચાર બોલનો સામનો કરીને એક બાઉન્ડરી વડે ચાર રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમને મેચની પ્રથમ ઓવરના ચોથા બોલ પર જ પ્રથમ સફળતા મળી હતી. શમીએ તેને શુબમન ગિલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમના સ્કોર બોર્ડને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે 94 રનની ભાગીદારી નોંધાઈ હતી.
વોર્નરે અડધી સદી નોંધાવી હતી. વોર્નર રવીન્દ્ર જાડેજાનો શિકાર થયો હતો. તેણે 53 બોલનો સામનો કરીને 52 રન નોંધાવ્યા હતા. વોર્નરે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટીવ સ્મિથે 60 બોલનો સામનો કરીને 41 રન નોંધાવ્યા હતા. સ્મીથે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્મિથને શમીએ બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. માર્નસ લાબુશેને 39 રન (49 બોલ) નોંધાવ્યા હતા. જ્યારે કેમરન ગ્રીને 31 રન (52 બોલ) નોંધાવ્યા હતા. લાબુશેનને સુકાની કેએલ રાહુલે ચપળતા પુર્વક સ્ટંપીંગ કર્યુ હતુ. જ્યારે ગાયકવાડ અને સૂર્યકુમારે કેમરન ગ્રીનને રન આઉટ કર્યો હતો. જોશ ઈંગ્લીશ 45 બોલમાં 45 રન નોંધાવી બુમરાહનો શિકાર થયો હતો. 29 રન નોંધાવીને માર્કસ સ્ટોઈનીશ શમીના બોલ પર બોલ્ડ થયો હતો. શમીએ પોતાની પાંચમી વિકેટના રુપમાં સીન એબોટને આઉટ કર્યો હતો.
Published On - 5:31 pm, Fri, 22 September 23