ભારતીય ટીમે વિશ્વકપ 2023 નુ અભિયાન રવિવારથી શરુ કર્યુ છે. ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમના બોલિંગ વિભાગે શાનદાર દેખાવ કર્યો છે. જેને લઈ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે આસાન સ્કોર નોંધાવ્યો છે. ભારતીય બોલરો શરુઆતથી જ ઓસ્ટ્રેલિયન ટીમ પર હાવી રહ્યા હતા. બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા અંતિમ ઓવરમાં 3 બોલ બાકી રહેતા જ 199 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. સૌથી વધારે રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ભારત તરફથી ઝડપી હતી.
ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વિશ્વકપની મેચ રમાઈ રહી છે. ટુર્નામેન્ટની આ પાંચમી લીગ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ટોસ હારીને ભારતે પ્રથમ બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયન બેટર્સને પરેશાન કરી દીધા હતા.ઓપનર મિચેલ માર્શને શૂન્યમાં જ પ્રથમ વિકેટના રુપે બુમરાહે પરત મોકલીને પરેશાનીની શરુઆત કરી દીધી હતી.
જે રીતે ચેન્નાઈમાં ભારતીય બોલરોએ શરુઆતથી જ દમદાર બોલિંગ કરી હતી, જેને લઈ કાંગારુ બેટર્સને રન નિકાળવાની પરેશાની જોવા મળી રહી હતી. ઓપનર ડેવિડ વોર્નર તેમજ ત્રીજા ક્રમે આવેલ સ્ટીવ સ્મિથ જ ભારતીય બોલરોનો જાણે કે સામનો કરી શકવામાં સફળ રહ્યા હોય એમ રન નોંધાવ્યા હતા. પરંતુ બંને અડધી સદી નોંધાવવાથી ચુક્યા હતા. બંને સ્પિનરોનો શિકાર થયા હતા. વોર્નરે 52 બોલનો સામનો કરીને 41 રન નોંધાવ્યા હતા. જ્યારે સ્મિથે 71 બોલનો સામનો કરીને 46 રન નોધાવ્યા હતા. સ્મિથને જાડેજાએ બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. જ્યારે વોર્નરને કુલદીપે પોતાના જ હાથમાં કેચ ઝડપીને વિકેટ મેળવી હતી.
ઓપનીંગ જોડીને ઝડપથી તોડવામાં જસપ્રીત બુમરાહ સફળ રહ્યો હતો. તેણે મિચેલ માર્શને શૂન્ય રન પર જ પોતાનો શિકાર બનાવ્યો હતો. માર્શ 6 બોલનો સામનો કરીને પણ ખાતુ ખોલાવ્યા વિના જ લેગબિફોર થઈ પરત ફર્યો હતો. માર્નસ લાબુશેન 41 બોલનો સામનો કરીને 27 રન નોંધાવી રવીન્દ્ર જાડેજાનો શિકાર થયો હતો. ગ્લેન મેક્સવેલ 25 બોલ રમીને 15 રન નોંધાવી પરત ફર્યો હતો. એલેક્સ કેરી 2 બોલ રમીને શૂન્ય રને પરત ફર્યો હતો. તે પણ જાડેજાનો શિકાર હતો. કેપ્ટન પેટ કમિન્સ 15 રન નોંધાવી શક્યો હતો, તેણે 24 બોલનો સામનો કર્યો હતો અને બુમરાહે તેને પરત મોકલ્યો હતો. એડમ જંપાએ 20 બોલનો સામનો કરીને 6 રન નોંધાવ્યા હતા. તે હાર્દિક પંડયાના બોલ પર વિરાટ કોહલીના હાથમાં કેચ ઝડપાયો હતો.
વિશ્વકપ 2023 માં અભિયાનની શરુઆતે જ રવીન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. 28 રન 10 ઓવરમાં આપીને જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ભારતની સ્થિતિ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નોંધાવી હતી. જાડેજાએ 2 મેડન ઓવર કરી હતી. જાડેજાએ વનડે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ પ્રદર્શન નોધાવ્યુ છે.
Published On - 5:59 pm, Sun, 8 October 23