
વિરાટ કોહલીએ વર્ષ 2023માં શું મેળવ્યું? આ પ્રશ્નનો જવાબ આપવા બેસીએ તો યાદી ઘણી લાંબી થઈ જશે. તો ટૂંકમાં અને બહુ ઓછા શબ્દોમાં એટલું જ જાણી લો કે તેને જે મળ્યું તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ થઈ હતી. વર્ષ 2023માં વિરાટ કોહલીએ આખી દુનિયાને કહી દીધું છે કે હાલમાં તે આ રમતનો સૌથી મોટો માસ્ટર છે અને તેનાથી મોટું બીજું કોઈ નથી.
વર્ષ 2023માં વિરાટ કોહલીએ કેટલીય શાનદાર ઈનિંગ સાથે જ ટીમની જીતમાં યોગદાન આપ્યું અને સદી તથા અર્ધસદી ફટકારી અનેક મેચમાં પોતાની બેટિંગ ટેલેન્ટનું દમદાર પ્રદર્શન પણ કર્યું. દરેક રીતે વિરાટે વર્ષ 2023માં પોતાને ક્રિકેટ જગતનો સાચો ગોલ્ડ સાબિત કર્યો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 2013માં નિવૃત્તિ પછી જે કહ્યું હતું તે આ વર્ષે વિરાટ કોહલીએ સાચું સાબિત કર્યું. સચિને કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડશે તો મને ગમશે. 100 ઈન્ટરનેશનલ સેન્ચુરીનો રેકોર્ડ હજુ 20 સદી દૂર છે પરંતુ વિરાટે સચિનનો ODIમાં 49 સદીનો વર્લ્ડ રેકોર્ડ ચોક્કસપણે તોડી નાખ્યો છે. તેણે હવે 50 ODI સદી ફટકારી છે અને વિશ્વ ક્રિકેટમાં આવું કરનાર તે પહેલો બેટ્સમેન બન્યો.
વિરાટ કોહલીએ 50મી ODI સદી ફટકારવાની સાથે આ વખતે ભારતીય ધરતી પર રમાયેલા વર્લ્ડ કપમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે 11 વર્લ્ડ કપ મેચમાં 765 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો.
વર્ષ 2023ના અંત પહેલા વિરાટ કોહલી પાસે હજુ એક મેચ રમવાની છે. 26મી ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની આ પ્રથમ મેચ હશે. વિરાટ તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી સાથે વર્ષ 2023નો અંત લાવવાનો પ્રયાસ કરશે. આ કરવા માટે તેની પાસે 2 ઈનિંગ્સ હશે. તે બંને ઈનિંગ્સમાં પણ સદી ફટકારી શકે છે અને વર્ષ 2023માં 10 આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને વર્ષ 2023માં લાગેલો ઘા આસાનીથી રૂઝાવાનો નથી, આ ખેલાડીઓ માટે આજીવન દર્દ બની રહેશે!