બોલર-ઓલરાઉન્ડર નહીં વિકેટકીપરે બોલિંગમાં મચાવી તબાહી, 15 રનમાં 5 વિકેટ લઈ કર્યો કમાલ

સૌરાષ્ટ્રે ગયા વર્ષે વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો અને આ ટીમ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવે છે પરંતુ આ ટીમ મોટા અપસેટનો શિકાર બની હતી જેના કારણે બોલિંગ કરનાર વિકેટકીપરે સૌરાષ્ટ્રને ઘૂંટણિયે લાવી દીધું હતું.

બોલર-ઓલરાઉન્ડર નહીં વિકેટકીપરે બોલિંગમાં મચાવી તબાહી, 15 રનમાં 5 વિકેટ લઈ કર્યો કમાલ
Joydeb Deb
| Updated on: Nov 28, 2023 | 5:53 PM

હાલમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં મોટો અપસેટ સર્જાયો હતો. વર્તમાન વિજેતા સૌરાષ્ટ્રને પોતાના કરતા નબળી ગણાતી ટીમ તરફથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રિપુરાએ સૌરાષ્ટ્રને 148 રનથી હરાવ્યું હતું. બેંગલુરુના અલુરમાં રમાયેલી આ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ ત્રિપુરા સામે સંપૂર્ણ રીતે ઝૂકી ગઈ હતી. ત્રિપુરાની જીતમાં જોયદેવ દેબે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જોયદેવ દેબે મચાવી તબાહી

જોયદેવ દેબે પોતાની લેગ સ્પિનથી એવો જાદુ સર્જ્યો કે સૌરાષ્ટ્રના બેટ્સમેનો જોતા જ રહી ગયા. પ્રથમ બેટિંગ કરતા ત્રિપુરાએ આઠ વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ સામે સૌરાષ્ટ્રની ટીમ માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી

સૌરાષ્ટ્રની ટીમ માત્ર 110 રનમાં ઓલઆઉટ

કેએસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સોમવારે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રના માત્ર પાંચ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. પરંતુ કોઈ બેટ્સમેન સદી પણ ફટકારી શક્યો નહોતો. ટીમ તરફથી ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. પ્રેરક માંકડ અને પાર્થ ભુતે 21-21 રનનું યોગદાન આપ્યું હતું.

બીજી લિસ્ટ-A મેચમાં દેબનો કમાલ

દેબ તેની કારકિર્દીની માત્ર બીજી લિસ્ટ-A મેચ રમી રહ્યો હતો. પોતાની બીજી જ મેચમાં આ ખેલાડીએ પોતાની ટીમને આશ્ચર્યજનક જીત અપાવી હતી. ક્રિકઇન્ફોમાં દેબની પ્રોફાઈલ પર નજર કરીએ તો તે વિકેટકીપર છે, પરંતુ આ ખેલાડીએ સૌરાષ્ટ્ર સામે બોલિંગ કરી અને પાંચ વિકેટ લઈને સૌરાષ્ટ્રને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. દેબે 6.4 ઓવર નાખી અને માત્ર 15 રન આપીને પાંચ વિકેટ લીધી. તેણે ટીમના નીચલા ક્રમના ખેલાડીઓને આઉટ કર્યા હતા. તેણે 20મી ઓવરના બીજા બોલ પર વિશ્વરાજ જાડેજાને આઉટ કરીને પોતાની પ્રથમ વિકેટ મેળવી હતી. અહીંથી તે અટક્યો નહીં અને વિકેટ લેતો રહ્યો. તેણે સતત પાંચ વિકેટ લઈને સૌરાષ્ટ્રને હારવા મજબૂર કરી દીધું.

સૌરાષ્ટ્રની ખરાબ બેટિંગ

આ મેચમાં સૌરાષ્ટ્રની શરૂઆત પણ સારી રહી ન હતી. તેમણે ત્રીજી ઓવરના ચોથા બોલ પર હાર્વિક દેસાઈને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. આ જ ઓવરના છેલ્લા બોલ પર શેલ્ડન જેક્સન પણ આઉટ થયો હતો. આ બંને વિકેટ મણિશંકર મુરાઈ સિંહે લીધી હતી. શેલ્ડન જેક્સન પણ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા દેબનાથના બોલ પર LBW આઉટ થયો હતો. અર્પિત વસાવડા માત્ર 16 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

ત્રિપુરાની શાનદાર બેટિંગ

અગાઉ ત્રિપુરાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના ત્રણ બેટ્સમેન અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. ત્રિપુરા તરફથી ગણેશ સતીશે સૌથી વધુ 71 રન બનાવ્યા હતા, આ સિવાય સુદીપ ચેટર્જીએ 61 રનની ઈનિંગ રમી હતી, જ્યારે બિક્રમ કુમાર દાસે 59 રન ફટકાર્યા હતા.

Published On - 5:51 pm, Tue, 28 November 23