
ભારતીય મહિલા ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ભારતીય ટીમને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મંધાના 23 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. મંધાના અને પલાશ ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં સ્મૃતિ મંધાનાએ તેની સગાઈની વીંટી બતાવતો એક વીડિયો શેર કર્યો છે. હવે, પલાશ મુચ્છલે એક ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્મૃતિ મંધાનાને એક ખાસ જગ્યાએ પ્રપોઝ કરતો જોવા મળે છે.
પલાશ એ લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને એક મોટું સરપ્રાઇઝ આપ્યું હતું, નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભવ્ય અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ એ જ જગ્યા છે જ્યાં ભારતીય મહિલા ટીમે 2025નો વર્લ્ડ કપ જીત્યો હતો. પલાશ મુચ્છલે પોતે આ ખાસ ક્ષણનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે અને દરેક તેને પસંદ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં, પલાશ તેની ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કરતો જોવા મળે છે. વીડિયોની શરૂઆત પલાશ અને સ્મૃતિના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રવેશથી થાય છે. સ્મૃતિએ આંખો પર પટ્ટી બાંધી છે. તેણીએ આંખ પર પટ્ટી કાઢી નાખતાની સાથે જ, પલાશ ઘૂંટણિયે બેસીને ગુલાબનો ગુલદસ્તો અને વીંટી સાથે તેને પ્રપોઝ કરે છે. સ્મૃતિ મંધાના આશ્ચર્યચકિત થઈ જાય છે અને હા કહે છે અને પછી પલાશના હાથે વીંટી પહેરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 2019 થી ડેટ કરી રહ્યા છે. તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સાથે ફોટા શેર કરી રહ્યા છે. તાજેતરમાં, પલાશ મુછલ 2025 મહિલા વર્લ્ડ કપ દરમિયાન સ્મૃતિ મંધના સાથે જોવા મળ્યા હતા. તેઓએ સાથે મળીને વિજયની ઉજવણી પણ કરી હતી.