શ્રીલંકા એશિયાઈ ચેમ્પિયન બન્યુ છે. પાકિસ્તાનને પછાડી ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી લીધી છે. મદુશાન અને હસારંગા મુખ્ય હિરો રહ્યા છે. આ પહેલા ભાનુકા રાજપક્ષા (Bhanuka Rajapaksa) એ બેટીંગની જવાબદારી નિભાવી હતી. દરેક મોરચે પાકિસ્તાનને શ્રીલંકાએ ફાઈનલમાં પછડાટ આપી હતી. શરુઆત ખરાબ રહી હતી. પરંતુ જીત પોતાના પક્ષે કરવામાં શ્રીલંકન ટીમ (Sri Lanka Cricket Team) સફળ રહી હતી. પ્રમોદ મદુશાને (Pramod Madushan) 4 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ અંતિમ ઓવરના અંતિમ બોલ પર જ સમેટાઈ ગઈ હતી. 147 રનનો સ્કોર કરીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને લક્ષ્યનો પીછો કરીને એશિયા કપને પોતાના હાથમાં લેવાની યોજના ઘડી હતી. જે મુજબ પહેલા ફિલ્ડીંગ પસંદ કરી અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. જે મુજબ શ્રીલંક ટીમે પહેલા બેટીંગ શરુ કરી હતી. પરંતુ શ્રીલંકન બેટ્સમેનોએ એક બાદ એક શરુઆતમાં વિકેટો ગુમાવવા લાગતા ઓછા સ્કોર પર જ સમેટાઈ જવાનુ સંકટ તોળાયુ હતુ. પરંતુ ભાનુકા રાજપક્ષાની તોફાની ઈનીંગ વડે શ્રીલંકાએ 171 રનનુ ટાર્ગેટ પાકિસ્તાન સામે રાખ્યુ હતુ.
રિઝવાને અડધી સદી સાથે પોતાની ટીમ માટે લડાયક ઈનીંગ રમી હતી. તેણે ઓપનીંગમાં આવીને ક્રિઝ પર લાંબો સમય પસાર કર્યો હતો. આ સાથે જ તેણે 47 બોલમાં 54 રન નોંધાવ્યા હતા. તેણે છગ્ગો લગાવીને અડધી સદી પુરી કરી હતી. તે પાંચમી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા.
પાકિસ્તાનને લક્ષ્યનો પિછો કરવો સરળ નહોતુ રહ્યુ. ઈનીંગની ચોથી ઓવરમાં જ પાકિસ્તાને એક બાદ એક સળંગ બે વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ વિકેટ ઓપનીંગ કરવા આવેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની ગુમાવી હતી. 6 બોલનો સામનો કરીને માત્ર 5 રન નોંધાવી પ્રમોદ મદુશાનનો શિકાર બન્યો હતો. પ્રમોદે આગળના બોલે ક્રિઝ પર આવેલા ફખર ઝમાનને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. આમ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને ફખર જેટલી ઝડપે આવ્યો એ જ ગતિએ પરત ફર્યો હતો.
મદુશાને વધુ એક સફળતા ઈનીંગની 14મી ઓવરમાં મેળવી હતી. તેણે પિચ પર પગ જમાવી ચુકેલા ઇફ્તિખાર અહેમદનો શિકાર કર્યો હતો. સ્લોગ કરતા મોટા શોટના ચક્કરમાં તે પ્રમોદ મદુશાનની જાળમાં ફસાઈ ગયો હતો. બાઉન્ડરી નજીક બંડારાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. ઇફ્તિખાર 31 બોલનો સામનો કરીને 32 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. ઇફ્તિખાર બાદ મોહમ્મદ નવાઝ માત્ર 6 રન નોંધાવી આઉટ થયો હતો. ચોથી વિકેટ પડવામાં પણ પ્રમોદ મદુશાનની ભૂમિકા હતી. પરંતુ વિકેટ કરુણારત્નાના ખાતામાં હતી. નવાઝે મોટા શોટ માટે પુલ કરતા બોલ સીધો જ પ્રમોદના હાથમાં પહોંચ્યો હતો.
17મી ઓવર લઈને હસારંગા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર રિઝવાનની મહત્વની વિકેટ ઝડપી હતી. બીજા બોલ પર એક રન ગુમાવ્યો હતો. ત્રીજા બોલ પર આસિફ અલીની વિકેટ ઝડપી અને ચોથા બોલ પર ફરી એકવાર 1 રન આપ્યો હતો. પાંચમાં બોલ પર ખુશદિલની વિકેટ ઝડપી હતી. આમ ઓવરમાં માત્ર 2 રન ગુમાવીને હસારંગાએ 3 વિકેટ ઝડપી હતી. આ ઓવરે જ જાણે કે પાકિસ્તાનની હાર પહેલાથી જ લખી દીધી હતી. હાર જ નહી ઓલ આઉટ કરવાની સ્ક્રિપ્ટ પણ લખી દીધી હતી.
Published On - 11:24 pm, Sun, 11 September 22