પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા જઈ રહી છે કે જંગ લડવા? સપોર્ટ સ્ટાફમાં 17 લોકો, કર્નલ પણ સામેલ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મુશ્કેલ પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણી થવાની છે, આ માટે ટીમ રવાના થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાન આ પ્રવાસ પર 17 સપોર્ટ સ્ટાફની ટીમ પણ મોકલી રહ્યું છે, જેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા જઈ રહી છે કે જંગ લડવા? સપોર્ટ સ્ટાફમાં 17 લોકો, કર્નલ પણ સામેલ
Pakistan Team
| Updated on: Nov 30, 2023 | 7:51 AM

વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે તેના આગામી પ્રવાસ માટે તૈયાર છે. પાકિસ્તાની ટીમ નવા કેપ્ટન અને સપોર્ટ સ્ટાફ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. અહીં ટીમને માત્ર 3 ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ આ પ્રવાસની શરૂઆત પહેલા જ પાકિસ્તાની ટીમની મજાક ઉડાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાને આ પ્રવાસ માટે કુલ 17 સપોર્ટ સ્ટાફની ટીમ તૈયાર કરી છે જે ખેલાડીઓ સાથે પ્રવાસ પર હશે.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ટીમની ઊડી મજાક

સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણીઓ થઈ રહી છે કે પાકિસ્તાની ટીમ ત્યાં ક્રિકેટ રમવા જઈ રહી છે અથવા આટલી મોટી સેના યુદ્ધ લડવા માટે મોકલવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ટીમે આ પ્રવાસ માટે કુલ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે, જ્યારે 17 સપોર્ટ સ્ટાફ સાથે રહેશે. તેનો અર્થ એ કે દરેક ખેલાડી માટે સરેરાશ એક સપોર્ટ સ્ટાફ ટીમ સાથે રહેશે. જો કે, પાકિસ્તાન માટે આ પ્રવાસ એટલો સરળ નહીં હોય કારણ કે પાકિસ્તાન છેલ્લા 23 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એકપણ ટેસ્ટ જીતી શક્યું નથી અને એક પણ ટેસ્ટ ડ્રો પણ કરી શક્યું નથી.

પાકિસ્તાન ટીમનો સમગ્ર સપોર્ટ સ્ટાફ નવો

પાકિસ્તાનની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સેમી ફાઈનલમાં જગ્યા બનાવી શકી ન હતી, તેની અસર સમગ્ર ટીમ પર પડી હતી. બાબર આઝમની કેપ્ટન્સી છીનવાઈ ગઈ અને સમગ્ર સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. વર્લ્ડ કપ બાદ પાકિસ્તાને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને ટીમ ડાયરેક્ટર બનાવ્યો, તેના સિવાય અન્ય ઘણા પૂર્વ ક્રિકેટરોને ટીમમાં અલગ-અલગ ભૂમિકા આપવામાં આવી છે. જેમ કે ઉમર ગુલ હવે ફાસ્ટ બોલિંગ કોચ છે અને સઈદ અજમલ સ્પિન બોલિંગ કોચ છે.

ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સંખ્યા સમાન

આવું કદાચ પહેલી વાર બન્યું છે કે, ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેમ્બરની સંખ્યા સમાન હોય અને એ પણ 17 સભ્યો. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પોતાના સપોર્ટ સ્ટાફમાં એક આર્મી ઓફિસરને પણ સામેલ કર્યો છે. વાસ્તવમાં, પ્રવાસ માટે પાકિસ્તાની ટીમની સુરક્ષાની જવાબદારી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) અખ્તર હુસૈનને આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાકિસ્તાનની ટીમ:

શાન મસૂદ (કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, હસન અલી, ઇમામ ઉલ હક, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જુનિયર, નોમાન અલી, સૈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ, સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી.

પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:

  • 6 થી 9 ડિસેમ્બર: વોર્મ-અપ મેચ
  • 14 થી 18 ડિસેમ્બર: પ્રથમ ટેસ્ટ, પર્થ
  • 26 થી 30 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, મેલબોર્ન
  • 3 થી 7 જાન્યુઆરી: ત્રીજી ટેસ્ટ, સિડની

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં રોહિત શર્માનું રમવું ખૂબ જ જરૂરી, જાણો શું છે કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:49 am, Thu, 30 November 23