રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ રમવા ભારતીય ટીમ તૈયારીઓ કરી રહી છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પણ છઠ્ઠી વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મહેનત કરી રહી છે અને તેમને ન્યુઝીલેન્ડનો એક દિગ્ગજ ખેલાડી મદદ કરી રહ્યો છે. જેની પાસે ભારત સામે રમવાનો બહોળો અનુભવ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ તે ન્યુઝીલેન્ડનું પ્રતિનિધત્વ પણ કરી ચૂક્યો છે.
ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતવા તૈયાર છે, જે માટે તેમણે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. ફાઈનલ પહેલા સેમી ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, હવે ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સાથે ન્યુઝીલેન્ડના જ એક ભૂતપૂર્વ ખેલાડીને પણ પરાજિત કરવો પડશે. આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો ભાગ છે. તે સ્પિન બોલિંગ કોચ છે.
ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડેનિયલ વેટ્ટોરીએ મે 2022માં કોચની જવાબદારી સંભાળી હતી. વેટ્ટોરી તેના સમયના મહાન ઓલરાઉન્ડરોમાંનો એક રહ્યો છે. તેણે 17 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું. તેણે ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટમાં 362, વનડેમાં 305 અને ટી20માં 38 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં તેણે ટેસ્ટમાં 4531 રન, વનડેમાં 2253 રન અને ટી20માં 205 રન બનાવ્યા હતા.
વેટ્ટોરીએ 18 વર્ષની ઉંમરે કિવી ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. 2007માં તેણે ટીમની કમાન પણ સંભાળી હતી. તેમની કપ્તાનીમાં કિવી ટીમ 2009 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી હતી. આ સિવાય તેણે 2007 ટી20 વર્લ્ડ સેમી ફાઈનલ અને 2011 વર્લ્ડ કપ સેમી ફાઈનલ પણ રમી હતી.
2015 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઓસ્ટ્રેલિયા પહેલા તે બાંગ્લાદેશ ટીમનો કોચ પણ રહી ચૂક્યો છે. ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં હારીને બહાર થઈ ગયું હતું. કીવી ટીમ લીગ તબક્કામાં ચોથા સ્થાને હતી. ભારતે ન્યુઝીલેન્ડને હરાવી વર્લ્ડ કપમાંથી બહાર કર્યું હતું.
આ પણ વાંચો: સૌરવ ગાંગુલી કરતા રોહિત શર્માની ટીમ ઈન્ડિયા વધુ મજબૂત, બંને ટીમમાં છે બે મોટા તફાવત