
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. પરંતુ આ રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ આ પ્રવાસ પર રમાનારી શ્રેણી માટે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલુ T20 શ્રેણીમાં આ ચારેયનું વિસ્ફોટક પ્રદર્શન તેમના દક્ષિણ આફ્રિકા જવાનું કારણ બની શકે છે.
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ T20 શ્રેણીથી શરૂ થશે અને ટેસ્ટ શ્રેણી સાથે સમાપ્ત થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમે 3 T20I, 3 ODI અને 2 ટેસ્ટ શ્રેણી રમવાની છે. આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની ગુરુવારે જાહેરાત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 5 મેચની T20 શ્રેણીની પ્રથમ 3 મેચ રમાઈ છે, જેમાં ઋતુરાજઅને યશસ્વી ભારતની નવી ઓપનિંગ જોડી તરીકે અને રિંકુ સિંહે પોતાને મેચ ફિનિશર તરીકે સ્થાપિત કર્યા છે. આ સિવાય મુકેશ કુમારે પણ બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. એવામાં આ ખેલાડીઓને સાઉથ આફ્રિકામાં વધુ તક મળશે એ લગભગ નિશ્ચિત છે.
ઋતુરાજ ગાયકવાડ એવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 1 સદી, 1 અડધી સદી અને 181ના સ્ટ્રાઈક રેટ સાથે 181 રન બનાવ્યા છે. આ માત્ર એક T20 શ્રેણીની વાત છે. ક્રિકેટના આ ફોર્મેટમાં, જો તમે આ 26 વર્ષના બેટ્સમેનની T20 કારકિર્દીમાં સ્ટ્રાઈક રેટ જુઓ તો તે પણ 144.47 છે, જેને બિલકુલ ખરાબ માની શકાય નહીં.
યશસ્વી જયસ્વાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જનારી T20 શ્રેણીમાં પણ તક મળે તો નવાઈ નહીં. કારણ કે, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પ્રથમ 3 T20 મેચમાં તેણે 205.12ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલની T20 કારકિર્દીનો સ્ટ્રાઈક રેટ પણ 170.49 છે, જે તેના વિસ્ફોટક સ્વભાવ અને આક્રમક અભિગમને દર્શાવે છે.
રિંકુ સિંહ, અત્યારે આ નામ ભારતની દરેક જીભ પર છે અને, આનું કારણ મેચ ફિનિશર તરીકે તેની ક્ષમતા છે. રિંકુને મેચની છેલ્લી ક્ષણોમાં છગ્ગા અને ચોગ્ગા મારવાની આદત છે અને આ આદતથી તે ભારત માટે મોટી તાકાત બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 5-6 નંબર પર રમનાર રિંકુ સિંહે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી 2 ઈનિંગ્સમાં 230.43ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ આ સિરીઝમાં રમી રહેલા તમામ ખેલાડીઓ કરતા સારી છે, પછી ભલે તે ભારત હોય કે ઓસ્ટ્રેલિયા.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે રિંકુ સિંહની મેચ ફિનિશ કરવાની ક્ષમતા જોઈને ત્યાં સુધી કહ્યું કે તે તેને કોઈની યાદ અપાવે છે. અહીં સૂર્યકુમારનો ઇરાદો એમએસ ધોની તરફ હતો. એવું નથી કે રિંકુએ માત્ર વર્તમાન સિરીઝમાં જ પોતાની ક્ષમતા બતાવી છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે સતત આવું કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો T20 વર્લ્ડ કપ 2024 પહેલા દક્ષિણ આફ્રિકામાં તેને અજમાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે છે.
ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ કંઈ ખાસ રહી નથી. પ્રથમ 2 મેચ રમ્યા પછી, તે માત્ર 1 વિકેટ લઈ શક્યો છે. પરંતુ, T20 સિરીઝ કરતા વધુ તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ODI અથવા ટેસ્ટ શ્રેણીની ટીમમાં પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધુ છે. ક્રિકેટના બંને લાંબા ફોર્મેટમાં તેનું ડેબ્યૂ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર થયું હતું, જ્યાં તેણે સારી બોલિંગ કરી હતી. મુકેશ કુમારે અત્યાર સુધી રમાયેલી 3 વનડેમાં 17.25ની એવરેજ અને 4.60ની ઈકોનોમી સાથે 4 વિકેટ લીધી છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી એક ટેસ્ટમાં 2 વિકેટ લીધી છે.
વિકેટ લેવાની ક્ષમતા ઉપરાંત મુકેશ કુમારની તાકાત ડેથ ઓવરોમાં સખત બોલિંગ છે અને આ વાત ભારતીય પસંદગીકારોથી પણ છુપી નથી. મુકેશ કુમારને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તક આપવાનું એક કારણ સિનિયર બોલરોને આરામ આપવાનું પણ હોઈ શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા જઈ રહી છે કે જંગ લડવા? સપોર્ટ સ્ટાફમાં 17 લોકો, કર્નલ પણ સામેલ
Published On - 8:09 am, Thu, 30 November 23