વર્લ્ડ કપ 2023: ભારતના ચાઈનામેન બોલરે ફેંકી વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ બોલ, ઈંગ્લિશ કેપ્ટન ચોંકી ગયો

લખનૌમાં કુલદીપ યાદવે એવો બોલ ફેંક્યો કે ઈંગ્લિશ બેસ્ટમેન તેને રમી જ ના શક્યો અને ક્લીન બોલ્ડ થયો. ક્રિકેટ નિષ્ણાંતો આ બોલને વર્લ્ડ કપનો શ્રેષ્ઠ બોલ ગણાવી રહ્યા છે. આ બોલમાં ગતિની સાથે જે સ્પિન હતો એ જોરદાર હતો. આવો જ મેજિકલ બોલ કુલદીપે અગાઉના વર્લ્ડ કપમાં પણ ફેંક્યો હતો.

વર્લ્ડ કપ 2023: ભારતના ચાઈનામેન બોલરે ફેંકી વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ બોલ, ઈંગ્લિશ કેપ્ટન ચોંકી ગયો
Kuldeep Yadav
| Updated on: Oct 30, 2023 | 9:47 AM

વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતે મજબૂત બોલિંગના સહારે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતનું વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ ગયું હતું તો બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું વર્લ્ડ કપમાંથી બહાર થવાનું પણ નક્કી થઈ જ ગયું છે. આ મેચમાં ભારતના બોલરોએ કમાલ પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલદીપ યાદવના એક બોલે ભારે ચર્ચા જગાવી હતી.

ભારતીય બોલરોનો તરખાટ

લખનૌમાં ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને માત્ર 129 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું અને 50 ઓવરમાં 230 રનના સામાન્ય ટાર્ગેટના અડધા રન સુધી પહોંચવામાં પણ ઈંગ્લેન્ડને ફાંફાં પાડી દીધા હતા. ટીમ ઈન્ડિયાના બે અનુભવી ફાસ્ટ બોલરો બૂમરાહ અને શમીએ ત્રણ અને ચાર વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો, તો બીજી તરફ સ્પિનરો કુલદીપ અને જાડેજા પણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

કુલદીપે ભારતની જીત નિશ્ચિત કરી

ઈંગ્લેન્ડ સામે કુલદીપ યાદવે આઠ ઓવર બોલિંગ કરી અને માત્ર 24 રન આપી બે મહત્વપૂર્ણ વિકેટો લીધી હતી. પહેલા કુલદીપે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને કલીન બોલ્ડ કર્યો હતો અને બાદમાં આક્રમક બેટ્સમેન લિવિંગસ્ટોનને LBW આઉટ કર્યો હતો. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડને કોઈ પણ સંજોગોમાં મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હતા, પરંતુ કુલદીપે બંનેને આઉટ કરી ભારતની જીત નિશ્ચિત કરી હતી.

WC 2019માં બાબર આઝમને કર્યો હતો બોલ્ડ

કુલદીપે બટલરને ક્લીન બોલ્ડ કર્યો એ બોલ તેની કારકિર્દીનો બેસ્ટ બોલ હતો અને કુલદીપેના આ બોલની ગણતરી વર્લ્ડ કપના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ બોલમાં થશે. જે બોલ પર બટલર આઉટ થયો તે બોલ 7.2 ડિગ્રી ટર્ન (સ્પિન) થયો હતો અને ઈંગ્લિશ કેપ્ટન બોલને સમજે તે પહેલા જ તેના સ્ટમ્પ ઊડી ગયા હતા. કુલદીપે 2019 વર્લ્ડ કપમાં પણ આવો જ બોલ ફેંક્યો હતો અને પાકિસ્તાનના બાબર આઝમને બોલ્ડ કર્યો હતો.


આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થશે ઈંગ્લેન્ડ ? જાણો ICCનો નિયમ

ઈંગ્લેન્ડની ઈનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર કુલદીપે આ મેજિકલ બોલ ફેંક્યો હતો. ત્યારે બટલર 10 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી અને કેપ્ટન બટલરનું અંત સુધી ટકી રહેવું ઈંગ્લેન્ડ માટે ખૂબ જ જરૂરી હતી, એ સમયે કુલદીપે ઈંગ્લિશ કેપ્ટનને બોલ્ડ કરી ભારતની જીત લગભગ નક્કી કરી જ દીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:55 am, Mon, 30 October 23