સતત ત્રીજા દિવસે ગંભીર-શ્રીસંતના ઝઘડાની સોશિયલ મીડિયા પર ચર્ચા, જાણો હવે શું થયું?

લેજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. આ પછી શ્રીસંતે એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે ગંભીર તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને તેને વારંવાર ફિક્સર કહી રહ્યો હતો. આ વિવાદ બાદ ગંભીરે એક તસવીર પોસ્ટ કરી હતી, જેના પર શ્રીસંતે કોમેન્ટ કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

સતત ત્રીજા દિવસે ગંભીર-શ્રીસંતના ઝઘડાની સોશિયલ મીડિયા પર ચર્ચા, જાણો હવે શું થયું?
Sreesanth & Gambhir
| Updated on: Dec 08, 2023 | 7:41 AM

IPL 2023માં વિરાટ કોહલી-ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈએ વિશ્વભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે વર્ષના અંતમાં ક્રિકેટના મેદાન પર આવો જ વધુ એક ઝઘડો હેડલાઇન્સમાં છે. આ વખતે પણ એક પાત્ર ગૌતમ ગંભીરનું છે, જ્યારે બીજું પાત્ર ટીમ ઈન્ડિયાના તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી શાંતાકુમારન શ્રીસંતનું છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ખેલાડીઓ વચ્ચે બોલાચાલી

લિજેન્ડ્સ લીગ ક્રિકેટની એક મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના આ બે પૂર્વ સ્ટાર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારથી, શ્રીસંત ગૌતમ પર સતત ‘ગંભીર આરોપો’ લગાવી રહ્યો છે અને હવે તેણે ભૂતપૂર્વ ઓપનર પર ખોટું બોલવાનો અને અમ્પાયરો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને કહ્યું છે કે ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે.

શ્રીસંતે ગંભીર પર ફિક્સર કહેવાનો આરોપ લગાવ્યો

બુધવાર 6 ડિસેમ્બરે સુરતમાં રમાયેલી મેચ દરમિયાન ઈન્ડિયા કેપિટલ્સનો ગંભીર બેટિંગ કરી રહ્યો હતો જ્યારે ગુજરાત જાયન્ટ્સનો શ્રીસંત બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગંભીરે બે બાઉન્ડ્રી ફટકારી હતી, જ્યારે આગામી બે બોલમાં શ્રીસંતે કોઈ રન ન આપ્યા, અહીંથી બંને વચ્ચે હળવી બોલાચાલી થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. સ્થિતિ એવી બની કે ખેલાડીઓ અને અમ્પાયરોને બચાવમાં આવવું પડ્યું. આ પછી શ્રીસંતે એક વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે ગંભીર તેને સતત ફિક્સર કહી રહ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો.

ગંભીરના ફોટા પર શ્રીસંતની પોસ્ટ

ગંભીરે આ મામલે અત્યાર સુધી સીધું કંઈ કહ્યું નહોતું પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક હસતી તસવીર પોસ્ટ કરી અને કંઈક લખ્યું જેનો અર્થ એ થયો કે દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવું જરૂરી છે પરંતુ તમે હસતા રહો. શ્રીસંત જે અત્યાર સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો તે હવે અહીં પણ પહોંચી ગયો હતો. તેણે ગંભીરના ફોટા પર કોમેન્ટ બોક્સમાં લાંબી પોસ્ટ કરી હતી અને જેમાં તેણે ભૂતપૂર્વ ભારતીય ઓપનરની નિંદા કરી હતી.

ભગવાન પણ માફ નહીં કરે

શ્રીસંતે ગંભીરને ઠપકો આપતા કહ્યું કે તેણે એક ખેલાડી અને ભાઈ તરીકે તમામ હદો પાર કરી છે. તે જનપ્રતિનિધિ (એમપી) છે પરંતુ તેમ છતાં તે દરેક ક્રિકેટર સાથે ઝઘડો કરવા લાગે છે. આ પછી શ્રીસંતે ‘ફિક્સર’ના મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે શું ગંભીર સુપ્રીમ કોર્ટથી ઉપર છે, જેણે શ્રીસંતને આ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. શ્રીસંતે ગંભીરને ઘમંડી ગણાવ્યો, જે તેને સમર્થન કરનારા લોકોનું પણ સન્માન નથી કરતો.

આ પણ વાંચો: ક્રિકેટર શ્રીસંત બાદ તેની પત્નીએ ગૌતમ ગંભીરને લીધો આડે હાથ, કહ્યું- આ લેવલ સુધી આવી ગયા, પરવરીશ ખૂબ… 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:36 am, Fri, 8 December 23