વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની હાલત ખરાબ, વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી મેચમાં હાર

ઈંગ્લેન્ડની ટીમે ગયા વર્ષે જ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ આ ટીમ અત્યારે તેના જૂના ફોર્મમાં દેખાઈ રહી નથી અને તેના કારણે આ ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ માટે આ ચિંતાનો વિષય બની ગયો છે, કારણકે આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને હવે વધુ સમય બચ્યો નથી.

વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની હાલત ખરાબ, વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી મેચમાં હાર
England
| Updated on: Dec 15, 2023 | 12:36 PM

ઈંગ્લેન્ડની ટીમ વિશે કહેવામાં આવે છે કે આ ટીમની એવી બેટિંગ લાઈન અપ છે કે તે કોઈપણ સ્કોરનો પીછો કરવાની શક્તિ ધરાવે છે અને તેમણે આ સાબિત કરીને બતાવ્યું છે. પરંતુ હાલમાં ઈંગ્લેન્ડ ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યું છે. તાજેતરમાં જ ODI વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નથી.

સતત બીજી મેચમાં ઈંગ્લેન્ડની હાર

ગયા વર્ષે આ ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ આ ફોર્મેટમાં પણ ઈંગ્લેન્ડ હવે નબળું પડતું જોવા મળી રહ્યું છે. હાલમાં આ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે જ્યાં તે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. સિરીઝની પહલી મેચમાં હાર બાદ લાગતું હતું કે ઈંગ્લેન્ડ બીજી મેચમાં જીત સાથે કમબેક કરશે, પરંતુ આવું ના થયું અને ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 10 રને હરાવ્યું

સેન્ટ જ્યોર્જમાં રમાયેલી બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 10 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 166 રન બનાવી શકી હતી. છેલ્લી બે T20 મેચમાં ઈંગ્લેન્ડ જે રીતે રમ્યું છે તે જોતા એવું લાગતું નથી કે આ ટીમ T20માં વર્લ્ડ ચેમ્પિયન છે અને આવતા વર્ષે તેનું ટાઈટલ બચાવી શકશે.

વિન્ડીઝની તોફાની બેટિંગ

આ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તોફાની બેટિંગ કરી હતી. ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રેન્ડન કિંગે 52 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 82 રનની અણનમ ઈનિંગ રમી. કેપ્ટન રોવમેન પોવેલે 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી તોફાની 50 રન બનાવ્યા જ્યારે આન્દ્રે રસેલે 10 બોલમાં 14 રનની ઈનિંગ રમી હતી. કાયલ માયર્સ 17, નિકોલસ પૂરન 5, શાઈ હોપ 1 અને શિમરોન હેટમાયર 2 રન બનાવીને આઉટ થયા હતા.

ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ

ઈંગ્લેન્ડમાં શાનદાર T20 બેટ્સમેન હતા, પરંતુ કોઈનું બેટ ઈંગ્લેન્ડને જીત સુધી લઈ જઈ શક્યું ન હતું. કેપ્ટન જોસ બટલર ત્રીજી ઓવરમાં જ આઉટ થઈ ગયો. ફિલ સોલ્ટે વિલ જેક્સ સાથે મળીને ટીમને 50નો આંકડો પાર કરવામાં મદદ કરી અને પછી તે 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યો. સેમ કરનને મિડલ ઓર્ડરમાં આવી ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી તોફાની અડધી સદી ફટકારી. પરંતુ અન્ય કોઈ બેટ્સમેન તેને સાથ આપી શક્યો નહીં.

વેસ્ટ ઈન્ડિઝની દમદાર બોલિંગ

લિયામ લિવિંગ્સ્ટન 17 અને હેરી બ્રુક 5 રન બનાવીને વહેલા પેવેલિયન પરત ફર્યા હતા. મોઈન અલીએ 22 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. વિન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફે ત્રણ જ્યારે અકીલ હુસૈને બે વિકેટ વિકેટ ઝડપી વિન્ડિઝને જીત અપાવી.

આ પણ વાંચો: MS ધોનીના ઐતિહાસિક પડાવની સાક્ષી એવી જર્સી નંબર 7 રિટાયર, ‘થાલા’ને BCCIની સ્પેશિયલ ટ્રિબ્યુટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો