શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

શ્રીસંત સાથે ચાલુ મેચમાં બોલાચાલી બાદ ફરી એકવાર મેદાનમાં ઊતરેલ ગૌતમ ગંભીર અને તેની ટીમને હારનો સામનો કરવા પડ્યો હતો અને ઈન્ડિયા કેપિટલ્સ લિજેન્ડ લીગ ક્રિકેટના ક્વોલિફાયર મેચમાં હરભજન સિંહની ટીમ સામે હારી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર
Gambhir
| Updated on: Dec 08, 2023 | 8:31 AM

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે જ તેની ટીમને પણ હારનો સામનો કરવા પડ્યો હતો અને ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાંથી પણ બહાર થઈ ગઈ હતી.

હરભજને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ગંભીર-શ્રીસંત વિવાદ બાદ હરભજન સિંહની આગેવાની હેઠળની મણિપાલ ટાઈગર્સ ટીમ સામે ગૌતમ ગંભીરની કપ્તાનીવાળી ઈન્ડિયા કેપિટલ્સનો મુકાબલો થયો હતો. આ ક્વોલિફાયર મેચમાં હરભજનની ટીમે ગંભીરની ટીમને હરાવી હતી. આ મેચમાં મણિપાલ ટાઈગર્સના કેપ્ટન હરભજન સિંહે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો હતો. મણિપાલ ટાઈગર્સના બોલરો સામે ઈન્ડિયા કેપિટલનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો.

ગંભીર સસ્તામાં આઉટ, ઈન્ડિયા કેપિટલ્સના 177 રન

ઈન્ડિયા કેપિટલ્સ અને મણિપાલ ટાઈગર્સ વચ્ચેની મેચમાં ઈન્ડિયા કેપિટલ્સની ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા. ઈન્ડિયા કેપિટલ્સ તરફથી કેવિન પીટરસને સૌથી વધુ 56 રન બનાવ્યા હતા, કેવિન પીટરસને 27 બોલમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી જેમાં 5 સિક્સર અને 2 ફોર સામેલ હતા.જ્યારે કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર 10 રન જ બનાવી શક્યો હતો અને રન આઉટ થયો હતો. મણિપાલ ટાઈગર્સ તરફથી થિસારા પરેરા અને મેકલેઘને 3-3 વિકેટ લીધી હતી.

મણિપાલ ટાઈગર્સે ઈન્ડિયા કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

178 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઊતરેલી મણિપાલ ટાઈગર્સ ટીમે દમદાર શરૂઆત કરી હતી. ઓપનર ચેડવિક વેલ્ટને માત્ર 18 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ સિવાય એન્જેલો પરેરાએ ધમાકેદાર 30 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન બાદ અસેલા ગુણરત્ને ટીમને જીતની તરફ લઈ ગયો હતો. તેની વિસ્ફોટક ઈનિંગ્સના કારણે મણિપાલ ટાઈગર્સે ઈન્ડિયા કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે ગંભીર-શ્રીસંતના ઝઘડાની સોશિયલ મીડિયા પર ચર્ચા, જાણો હવે શું થયું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો