વર્લ્ડકપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. તેથી ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો.
એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન ભેગા થયા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારીએ ભારતને ફાઈનલમાં 6 વિકેટે હરાવ્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો પર નજર કરીએ તો…
ભારતીય બેટ્સમેનો માત્ર 240 રન બનાવી શક્યા હતા. ત્યારે ભારતીય ફિલ્ડરો પાસેથી ચુસ્ત ફિલ્ડિંગની અપેક્ષા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોએ નિરાશ કર્યા હતા. ભારતીય ફિલ્ડરોએ બેટ્સમેનોને રન આઉટ કરવાની ઘણી તકો ગુમાવી હતી. જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ ઘણો પ્રભાવ જોવા મળ્યો હતો, પરંતુ ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની સામે તેઓ ફ્લોપ સાબિત થયા હતા. જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે પણ બોલિંગમાં નિરાશ કર્યા હતા.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બેટ્સમેનોએ સમયાંતરે વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઘણા ખરાબ શોટ રમીને પોતાની વિકેટો આપી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે માત્ર વિરાટ કોહલી અને કેએલ રાહુલ જ 50 રનનો આંકડો સ્પર્શી શક્યા હતા. બાકીના બેટ્સમેનોનો ફ્લોપ રહ્યા.
ભારતીય બોલરોએ ઘણા વધારાના રન આપ્યા હતા. ખાસ કરીને શરૂઆતની ઓવરોમાં મોહમ્મદ શમી પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપી શક્યો ન હતો. તેમજ આ સિવાય અન્ય બોલરોની હાલત પણ આવી જ રહી હતી. આ સિવાય વિકેટકીપર તરીકે કેએલ રાહુલે પણ મિસફિલ્ડ કરી હતી. ભારતીય બોલરોએ 18 વધારાના રન આપ્યા હતા. જેમાં 7 બાય અને 11 વાઈડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન, ટ્રેવિસ હેડની સદી વડે ભારત સામે 6 વિકેટે મેળવી જીત
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કુલ 16 બાઉન્ડ્રી ફટકારી હતી. જેમાંથી પ્રથમ 10 ઓવરમાં જ 12 બાઉન્ડ્રી ફટકારી હતી. મતલબ કે તે પછી ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં માત્ર 4 બાઉન્ડ્રી જ ફટકારી શકી. ભારતનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. કેએલ રાહુલે 61ની સ્ટ્રાઈક રેટ, જાડેજાનો સ્ટ્રાઈક રેટ 40 હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે માત્ર 64ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
Published On - 10:20 pm, Sun, 19 November 23