Gujarat Municipal Election 2021: ગુજરાતમાં ભાજપ સફળ અને કોંગ્રેસ કેમ નિષ્ફળ રહે છે ?

|

Feb 23, 2021 | 4:49 PM

Gujarat Municipal Election 2021ઃ ગુજરાતમાં 2015ની સરખામણીએ 2021માં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રમાણમાં ઓછુ મતદાન થયુ હોવા છતા, મતદારોએ ભાજપ ઉપર પસંદગી ઉતારી છે. ગુજરાતની છએ છ મહાનગરપાલિકામાં ભાજપની જીત અને કોંગ્રેસની હારના અનેક કારણો અને સમિકરણો છે.

ગુજરાતની છ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ભગવો લહેરાવ્યો છે. 2015ની સરખામણીએ 2021ની ચૂંટણીમાં પ્રમાણમાં ઓછુ મતદાન હોવા છતા મતદારોએ ભાજપ ઉપર પસંદગી ઉતારી છે. ગુજરાતની છએ છ મહાનગરપાલિકામાં ભાજપની જીત અને કોંગ્રેસની હારના અનેક કારણો અને સમિકરણો છે.
ભાજપ સંગઠનનો ઉપયોગ કરીને સરકારની કામગીરીને મતદારો સુધી પહોચાડીને મતમાં પરિવર્તન કરવામાં સફળ રહ્યું તો બીજીબાજુ કોંગ્રેસ સરકારની નિષ્ફળતા અને પ્રજા સમસ્યાને લોકવાચા આપવામાં ઊણી ઉતરી. આજના આ પરિણામોએ સાબિત કર્યા છે કે ગુજરાતના શહેરી વિસ્તારો આજે પણ ભાજપનો ગઢ છે અને રહેશે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરત જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને જામનગરના મતદારોએ, સ્થાનિક સમસ્યાઓને બદલે સરકારની કામગીરી અને પક્ષની છાપ, ઉમેદવારોની પ્રતિભાને ધ્યાને લઈને મતદાન કર્યું. ભાજપે એન્ટી ઈન્મબન્સીને ટાળવા માટે, ઉમેદવારો માટે વયમર્યાદા સહીતના માપદંડો અપનાવીને 90 ટકા નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા. મજબુત સંગઠન માળખાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. તો કોગ્રેસમાં દર વખતની જેમ ઉમેદવારોની પસંદગી મુદ્દે જૂથબંધી અને વ્હાલાદવલાની નિતી તેમજ નબળા સંગઠનથી ચૂંટણી મેદાનમાં કારમી હાર મળી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ વધુ નબળી અને  ભાજપ વધુ મજબૂત બન્યો તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી (AAP), ભીલીસ્તાન ટ્રાઈબલ પાર્ટી (BTP) અને AIMIM ભવિષ્યમાં સ્થાન મેળવી શકે તે પ્રકારે દેખાવ કર્યો છે.

આ ચૂંટણીમાં સામાજીક સમિકરણોને ભાજપે સારી રીતે બેલેન્સ કરી જાણ્યુ. તો કોંગ્રેસ સામાજીક સમિકરણોને બેલેન્સ કરવામાં થાપ ખાઈ ગઈ. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં કોંગ્રેસના સામાજીક પ્રભાવ ધરાવતા ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને માત કરવા માટે છેવટ સુધી લડત આપી. પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને પક્ષના સગંઠનનો પૂરતો સાથ ના મળતા, ભાજપના ઉમેદવારો તેમના મજબૂત સંગઠનને કારણે જીત્યા. ગુજરાતની આ છ મહાનગરપાલિકાની ચૂંટણી શહેરીકક્ષાની હોવા છતા, આગામી સપ્તાહે જાહેર થનારા ગ્રામ્યકક્ષાની ચૂંટણીના પરિણામોની આગાહી કરી રહ્યાં છે.

Published On - 2:30 pm, Tue, 23 February 21

Next Video