Uttarakhand : તીરથ સિંહ રાવત બન્યા ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન

|

Mar 10, 2021 | 3:24 PM

Uttarakhand : વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જ્યારે Tirath Singh Rawatને  ટિકિટ ન મળી તો અમિત શાહે તેમને  હિમાચલ પ્રદેશના રાષ્ટ્રીય સચિવ બનાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગઢવાલથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 

Uttarakhand : તીરથ સિંહ રાવતને ઉતરખંડની કમાન સોંપવામાં આવી છે. મંગળવારે સાંજે ઉત્તરાખંડના મુખ્યપ્રધાનપદ પરથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ મુખ્યપ્રધાનપદ માટે ઘણા નામોની ચર્ચા થઈ હતી. પરંતુ બુધવારે સવારે તીરથ સિંહ રાવતનું નસીબ રાજ્યના રાજકારણના પાટિયા પર ચમક્યું. જે નેતાને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યની ટિકિટ મળી નહોતી મળી  તે હવે આખા રાજ્યની કમાન સંભાળશે. 

હમેશા મુખ્યપ્રધાનનો ચહેરો રહ્યાં તીરથ સિંહ
ઉત્તરાખંડમાં  2017ની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે પાર્ટીમાં આંતરિક લડાઈના કારણે તેઓ ધારાસભ્યની ચૂંટણી લડી શક્યા નહોતા.  રાજ્યમાં આવતા વર્ષે ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પહેલા ભાજપ હાઈકમાન્ડે રાજ્યની સત્તા તિરથસિંહને સોંપી દીધી છે.રાજ્યના રાજકારણમાં મોટું સ્થાન ધરાવતા તીરથ સિંહ હંમેશાં મુખ્યપ્રધાનનો  ચહેરા રહ્યા છે, પરંતુ રાજકીય તાકાતના અભાવને લીધે તેઓ હંમેશાં ડાર્ક હોર્સની ભૂમિકા ભજવતા. 

અમિત શાહનો મળ્યો સાથ 
તીરથ સિંહ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહની ખૂબ નજીક રહ્યા છે. જ્યારે અમિત શાહે વર્ષ 2016-2017માં વિસ્તાર યાત્રા શરૂ કરી હતી અને દેશના વિવિધ ભાગોમાં 120  દિવસ પ્રવાસ કર્યો હતો ત્યારે તીરથ સિંહ તેમની સાથે રહ્યાં હતા. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જ્યારે Tirath Singh Rawatને  ટિકિટ ન મળી તો અમિત શાહે તેમને  હિમાચલ પ્રદેશના રાષ્ટ્રીય સચિવ બનાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગઢવાલથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.ગઢવાલ લોકસભા બેઠકને વીઆઈપી બેઠક માનવામાં આવે છે, કારણ કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  બીસી ખંડુરી ગઢવાલથી ચૂંટણી લડ્યા હતા.

ત્રિવેન્દ્ર સિંહ રાવતના નિર્ણયોને પલટશે  ? 
એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રિવેન્દ્રસિંહ રાવત સરકારે લીધેલા બે આલોકપ્રિય નિર્ણય ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ એક્ટ અને ગૈરસેણ કમિશ્નરેટ નિર્ણયને  તીરથ સિંહ પાછા લઈ શકે છે.આ માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી ચૂક્યા છે. અધિકારીઓને ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ સરકારના આ નિર્ણયથી લોકો નારાજ હતા કે ધાર્મિક ટ્રસ્ટ અધિકારી કેમ ચલાવી શકે?

ચારધામ દેવસ્થાનમ બોર્ડની રચના રાજ્યના બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના 51 મંદિરોના સંચાલન માટે બનાવવામાં આવ્યું હતું. તીર્થ પુરોહિત શરૂઆતથી તેનો વિરોધ કરી રહ્યો હતો. સંઘ પરિવારમાં પણ આ અંગે ભારે નારાજગી જોવા મળી હતી. પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના આ બે નિર્ણયો નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત પલટી શકે છે.

 

Next Video