ગુજરાતમાં કોરોનાની વણસતી પરિસ્થિતિ અંગે વિવિધ ધર્મ-સંપ્રદાયના સાધુ સંતો સાથે મુખ્યપ્રધાન કરશે વિચાર વિમર્શ

|

Apr 14, 2021 | 1:20 PM

કોરોનાની ( corona ) આવી કપરી સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ ચર્ચા વિચારણા કરાશે, જેના આદારે કેટલાક નિર્ણયો પણ લેવાશે

ગુજરાતમાં કોરોનાની વણસતી પરિસ્થિતિ અંગે વિવિધ ધર્મ-સંપ્રદાયના સાધુ સંતો સાથે મુખ્યપ્રધાન કરશે વિચાર વિમર્શ
વિવિધ ધર્મ-સંપ્રદાયના સાધુ સંતો સાથે મુખ્યપ્રધાન કરશે વિચાર વિમર્શ

Follow us on

ગુજરાતમાં હાલ કોરોનાની ( corona ) સ્થિતિ અતી ગંભીર બની ચુકી છે. આ સંજોગોમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, વિવિધ ધર્મ અને સંપ્રદાયના સાધુ, સંત, મહારાજ સાથે વિચાર વિમર્શ કરીને, જરૂરી સલાહ સુચનો કરવાની સાથે જરૂરી નિર્ણય લેશે. મુખ્ય પ્રધાન આજે સાંજે ચાર વાગે, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોરોનાની આ સાંપ્રત સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે ચર્ચા વિચારણા અને વિચારોનું આદાન પ્રદાન કરશે.
અગાઉ પણ ગુજરાતમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ વણસી હતી ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયોનાં વડાઓ સહિત અનેક ક્ષેત્રોનાં વિવિધ મહાનુભાવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સેતુ રચીને વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતું. ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનાં કારણે વિકટ પરિસ્થિતિ ઉદભવી છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે સાંજે 4 વાગ્યે સંતો-મહંતો સાથે આ અંગે ચર્ચા, વિચાર વિમર્શ કરવાનું નક્કી કર્યું છે. કોરોનાની આવી કપરી સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ સંભવત ચર્ચા કરાશે.
ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે યોજાનારા વિડીયો કોન્ફરન્સમાં રાજ્યનાં સંતો-મહંત પૈકી, શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, વડતાલના સંત સ્વામી, ત્યાગવલ્લ સ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, ઝાંઝરકાના શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન સહીતના વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે અને ચર્ચા વિચારણા કરશે.
ગુજરાત પર જ્યારે-જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આફત આવે છે ત્યારે-ત્યારે વિવિધ ધર્મ-સંપ્રદાયો આગળ આવી સરકાર સાથે મળી સામાજિક સેવાનું કાર્ય કરતા હોય છે. તદુપરાંત કેટલાંક ધર્મ-સંપ્રદાયોનાં વિવિધ સૂચનો પણ હોય છે અને સરકાર તેમજ સમાજને મદદરૂપ થવાની તેમની તૈયારી પણ હોય છે. આ તમામ બાબતને ધ્યાને લઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ-સેતુ રચવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં સૌ પ્રથમ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, સરકાર અને સંતો-મહંતો વચ્ચે સંવાદ-સેતુ રચી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં એકમેકને મદદરૂપ થવાની અનોખી પહેલ કરી છે. વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથેનાં સંવાદ-સેતુમાં સાંપ્રત સમય પર વિવિધ વિચારો તથા સલાહ-સૂચનોનું આદાનપ્રદાન થશે અને તેના આધારે કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

Published On - 1:18 pm, Wed, 14 April 21

Next Article