કોરોનાથી મૃત્યુ પામનારા ખેડૂત-ખેતમજૂરોને સહાય આપો, રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

|

May 11, 2021 | 1:46 PM

રાધવજી પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં ખેડૂતોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પત્રમાં લખી જણાવ્યુ છે કે, કોરોનાના આ કપરા કાળમાં ખેડૂતો અને ખેત મજૂરોની હાલત બહુ કફોડી છે.

ગુજરાતમાં સુનામીની જેમ ચારેતરફ ફરી વળેલ કોરોનાની મહામારીએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. કોરોનાને કારણે અનેકે છત્ર ગુમાવ્યુ છે. આવા સંજોગોમાં કોરોનાથી મૃત્યુ પામાનારા ખેડૂતો અને ખેત મજૂરોને આર્થિક સહાય કરવાની માંગ કરવામા આવી છે. ભાજપના જ ધારાસભ્ય રાધવજી પટેલે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાતમાં જે કોઈ ખેડૂત કે ખેત મજૂર કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તો તેમના પરિવારને ગુજરાત સરકારે આર્થિક સહાય કરીને મદદ કરવી જોઈએ.

રાધવજી પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં ખેડૂતોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પત્રમાં લખી જણાવ્યુ છે કે, કોરોનાના આ કપરા કાળમાં ખેડૂતો અને ખેત મજૂરોની હાલત બહુ કફોડી છે. ખેડૂતોને અને ખેતમજૂરોની વહારે સરકારે આવવુ જોઈએ. ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે અમલમાં રહેલી, અકસ્માત વિમા યોજના હેઠળ ખેડૂતો કે ખેત મજૂરોના પરીવારને સહાય કરવાની માંગ કરી છે.

તેમણે પત્રમાં લખી જણાવ્યુ છે કે, કોરોનાએ અન્ય વેપાર ઉદ્યોગની જેમ જ ખેતી ક્ષેત્રને પણ ભારે પ્રભાવિત કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી ચૂકેલા કોરોનાને કારણે, ગ્રામ્ય અર્થતંત્ર પર તેની અસર વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં જે ખેડૂત કે ખેત મજૂર કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા ખેડૂત કે ખેત મજૂરોના વારસદારને ગુજરાત સરકારે ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ લાભાર્થી ગણીને આર્થિક મદદ કરવી જોઈએ.

અત્રે જણાવવુ જરૂરી છે કે, રાધવજી પટેલ મૂળ ભાજપમા હતા. પરંતુ શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈની સરકાર સામે કરેલા બળવા વખતે રાઘવજી પટેલ, શંકરસિહ વાઘેલાના પક્ષમાં જોડાયા હતા. અને ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકારમાં પ્રધાન બન્યા હતા ત્યાર બાદ, રાધવજી પટેલ શંકરસિંહની સાથેસાથે કોંગ્રેસમાં જોડાયા હતા.

જો કે અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડ્યા તે સમયે, રાધવજી પટેલે કોંગ્રેસના મેન્ડેટનો ભંગ કરીને, ભાજપના ત્રીજા ઉમેદવાર બંળવતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. જો કે કોંગ્રેસના મેન્ડેટનો ભંગ કરવા બદલ, રાધવજી પટેલનો મત રદ કરવામાં આવ્યો હતો. અને ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રહેલા બળવંતસિહ રાજપુતની હાર થઈ હતી. આ પછી રાધવજી પટેલ ભાજપમાં જોડાયા હતા. અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી જીત્યા હતા.

Next Video