GUJARAT : આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી, સચિવાલયના અધિકારીઓમાં અનેક તર્કવિતર્કો

|

Jun 01, 2021 | 5:09 PM

GUJARAT : ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ છે. તેમની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો અપાયા છે.

GUJARAT : ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ છે. તેમની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો અપાયા છે. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિની કાર્યશૈલી પર અનેક સવાલો ઉઠયા હતા. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ તેમની બદલીને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે. જયંતિ રવિની એકાએક બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં અનેક તર્કો થઇ રહ્યાં છે.

અમે તમને જણાવીએ કે તેઓ ગુજરાતના 1991ની બેચના આઈએએસ અધિકારી છે. બદલી માટે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માટે અરજી કરી હતી. જેને કેન્દ્ર દ્વારા 24 મેના રોજ મંજૂર કરવામાં આવી હતી. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશ્નર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતું.

 

 

ગુજરાતમાં કોરોનાની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી તેમના શિરે હતી. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાની બુમરાણ મચી હતી,

જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન-ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને પગલે કયાંકને કયાંક આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પર આંગળીઓ ચિંધાઇ રહી હતી.

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતી રવિએ પોતાની બદલી ગુજરાત બહાર, ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી, પરંતુ, કોરોના કહેર વચ્ચે કેન્દ્ર  સરકારે પણ જયંતિ રવિની બદલીને અટકાવી હતી. જ્યારે હાલ બીજી લહેર ધીમી પડવાની સાથે જ તેમની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતાં અનેક સવાલોએ જન્મ લીધો છે.

વર્ષ 2002માં ડો. જયંતી રવિ પંચમહાલ જિલ્લાનાં કલેક્ટર હતાં. શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગોમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ મેનેજમેન્ટ વિષયમાં PhD કર્યું છે.

Published On - 3:46 pm, Tue, 1 June 21

Next Video