Gujarat Politics: ગુજરાતનાં રાજકારણમાં ધમાધમ શરૂ, શંકરસિંહ બાપુએ કરી કોંગ્રેસનાં ભરતસિંહ સાથે મુલાકાત, પક્ષમાં જોડાવાને લઈ માહોલ ગરમ

|

Jun 17, 2021 | 12:35 PM

Gujarat Politics: શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિ(Politics)ના બાપુ ફરી એકવાર કૉંગ્રેસ(Congress)માં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે

Gujarat Politics: શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિ(Politics)ના બાપુ ફરી એકવાર કૉંગ્રેસ(Congress)માં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો બુધવારે શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) સાથે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ ચુકી છે.

માધવસિંહને શ્રદ્ધાંજલિ આપવા શંકરસિંહ અગાઉ ભરતસિંહને મળ્યા હતા. જોકે ત્યાર બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચુકી છે કેમ કે રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે ત્યારે એકવાર પ્રભારીની નિયુક્તિ થઈ જાય ત્યારબાદ બાપુની કૉંગ્રેસ વાપસી અંગે નિર્ણય લેવાશે. બાપુને કૉંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કૉંગ્રેસનું એક મોટુ જુથ સક્રિય છે. હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી ત્યારે તેમના પરત આવ્યા બાદ કૉંગ્રેસ હાઈકમાન્ડ આ મુદ્દે નિર્ણય લેશે.

જણાવવું રહ્યું કે છેલ્લા કેટલાય સમયથી શંકરસિંહ ભાજપની સામે પણ ખુલીને બોલી રહ્યા છે. કોરોનાનાં વિષય હોય કે પછી રાકેશ ટિકૈતનું ગુજરાતમાં સ્વાગત, શંકરસિહ આગળ રહ્યા છે. તેમણે જે સમયે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું તે સમયે તેમણે સમાજની સેવા કરવાનું નક્કી કર્યું હતું. સમય બદલાતો ગયો તેમ તેમણે પણ પક્ષની સ્થાપના કરીને સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

જો કે ના પક્ષ ચાલ્યો કે ના તેમના આઈડિયા અને એટલે જ ફરીથી તેમને કોંગ્રેસ જેવા પક્ષમાં લાવીને તેમના અનુભવનો ઉપયોગ કરવા ગુજરાત કેડર તૈયાર થઈ ગઈ છે. દિલ્હી હાઈકમાન્ડને પણ આ સંદર્ભમાં જાણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેના પર દિલ્હીથી કોલ પણ લેવામાં આવી શકે છે. કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનાં અને અહેમદ પટેલ જેવા કદાવર નેતાનાં નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ અટકાવવા માટે શંકરસિંહ મદદરૂપ થઈ શકે તેમ છે.

સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીનાં સમયગાળામાં પણ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભરતસિંહ સોલંકીનાં માધ્યમથી જ બાપુને કોંગ્રેસમાં પરત લાવવા માટે પ્રયાસો ઝડપી બન્યા છે ત્યારે ગુજરાતનાં રાજકારણમાં ટૂંક સમયમાં ફરી ગરમી જોવા મળી શકે છે.

Next Video