પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જે રીતે સામે આવી રહ્યાં છે, તે જોતા સ્પષ્ટ કહી શકાય કે, દેશમાં ભાજપની સામે વિપક્ષ તરીકે ટીએમસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી- અમિત શાહની સામે મમતા બેનર્જી વિપક્ષના નવા મજબુત ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. જે રીતે પશ્ચિમ બંગાળમાં મતગણતરીમાં સરસાઈ જોવા મળી રહી છે તે મુજબ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ ત્રીજીવાર સત્તા ઉપર આવશે.
મમતા બેનર્જીની આ જીતથી કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ચિંતા વધી જવાની છે. કારણ કે જે રીતે મમતા બેનર્જીએ એકલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના શામ, દામ, દંડ અને ભેદની વ્યુહરચનાને લડત આપીને પોતાનો ગઢ સાચવી રાખતા, કેન્દ્રીયસ્તરે વિપક્ષમાં મમતા દીદીનુ નામ મોટુ થયુ છે.
મમતા વિપક્ષનો સૌથી મોટો ચહેરો
જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસએ મળીને સરકાર રચી હતી, ત્યારે વિપક્ષના તમામ અગ્રણી નેતાઓએ એક પ્લેટફોર્મ પર મળીને ભાજપ સમક્ષ પડકાર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન, ભાજપે જવલંત વિજય મેળવીને વિપક્ષના તમામ નેતાઓ આચકો આપ્યો હતો. ત્યાર બાદ વિપક્ષમાં નેતૃત્વ અને મોદી-શાહની જોડીને ટક્કર આપી શકે તેવા ચહેરોનો અભાવ સર્જાયો હતો. જો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હેટ્રિકના પગલે, મમતા બેનર્જી વિપક્ષનો સૌથી મોટો ચહેરો બની જશે.
મોદી-શાહની જોડીના વિકલ્પમાં કોઈ ચહેરો નહોતો
દેશમાં વિપક્ષમાં અત્યાર સુધી એવો કોઈ ચહેરો નહોતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ચહેરાનો વિકલ્પ બની શકે. કોંગ્રેસના રાહુલ ગાંધીને કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠો સ્વિકાર્ય નથી ગણતા, લોકસભાની બે ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખરાબ રહેવા પાછળ રાહુલ ગાધીની નેતાગીરીને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે.
રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે નબળો દેખાવ કર્યો છે. રાહુલ ગાંધીના નેતૃ્ત્વમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં સરકાર બનાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું હતું. પરંતુ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભાજપે ધારાસભ્યો તોડીને સત્તા પ્રાપ્ત કરી. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત- સચિન પાયલટ વચ્ચેની લડાઈ જગજાહેર છે. તો કોંગ્રેસના વીસથી વધુ નેતાઓએ આમૂલ પરિવર્તનની માંગ કરી હતી. આ બધુ સાબિત કરે છે કે, કોંગ્રેસને એકમત રાખવામાં રાહુલ સક્ષમ નથી.
રાહુલ સિવાય જો અન્ય ચહેરાઓ પર નજર નાખીએ તો સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી અને ડાબેરીઓના સીતારામ યેચુરી સહિતના કોઈ પણ નેતા એવા નથી કે, ભાજપની સામે આવી શકે કે તેઓ પોતાની શક્તિ ભાજપને બતાવી શકે. મમતા બેનર્જી જ ભાજપને સીધી લડતમાં હરાવી રહ્યા હોવાનું સાબિત કરે છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સતત કોઈ ને કોઈ રીતે રાહુલ ગાંધીને વિપક્ષનો ચહેરો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મમતાની હેટ્રિક પછી, સોનિયાના પ્રયાસ નિષ્ફળ જવાની શક્યતા છે. કારણ કે પશ્ચિમ બંગાળની સાથે સાથે આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. આ રાજ્યોના વલણો પૈકી, આસામ, પુડ્ડુચેરી અને કેરળમાં પણ કોંગ્રેસ હારતી જોવા મળી રહી છે.
મોદીને આપતા હતા મમતા જવાબ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કે અન્ય કોઈ રાષ્ટ્રીય મુદ્દાએ, મમતા બેનર્જી જ એવા નેતા હતા કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યાં હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધા પડકારતા રહ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ દ્વારા વિરોધીઓ પર શાબ્દિક હુમલો કરવા સાથે તીખા સવાલો કરે છે. જેનાથી જનમાનસ પણ ક્ષણિક તો વિચારતુ થઈ જતું હોય છે.
તે જ રીતે મમતા બેનર્જી પણ ભાજપના નેતાઓ પર શાબ્દિક હુમલો કરતા જોવા મળ્યા છે. કલમ 37૦ થી માંડીને એનઆરસી સુધીના મુદ્દા, રાજ્યોમાં સીબીઆઈની કાર્યવાહી, માતા દુર્ગા મૂર્તિ પુજન અને વિસર્જન, જય શ્રી રામના નારા વગેરે. તમામ મુદ્દાઓ પર ભાજપને તેમની જ ભાષામાં જોરદાર જવાબ મમતાએ આપ્યો હતો.