
DELHI : ગુજરાત માટે કોંગ્રેસ હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ ગુજરાતના કોંગ્રેસના કેટલાક નેતાઓએ દિલ્લીમાં ધામા નાખ્યા છે. હાલ ગુજરાત કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે.
અર્જુન મોઢવાડિયાનું નામ નિશ્ચિત : સૂત્ર
આ તમામ નામોમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી મોખરે હોવાની ચર્ચાઓ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બાબતે ચર્ચા કરવા કોંગ્રેસ હાઈકમાન્ડે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હી બોલાવ્યા છે.
હાર્દિક પટેલને હાઇકમાન્ડનું આવ્યું તેડું
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે વિચારો રજુ કરી શકે છે. આ સાથે જ રાજ્યમાં આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રણનીતિ તૈયાર થાય તેવી પણ સંભાવના છે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ તરીકે યથાવત રહે તેવી પણ પ્રબળ સંભાવનાઓની ચર્ચા છે.
ભરતસિંહ સોલંકીના બે દિવસથી દિલ્હીમાં
પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની હાલ પ્રબળ શક્યતાઓ છે. જેથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં હોવાની ચર્ચાઓ છે. જોકે હજુ સુધી સોનિયા ગાંધી સાથે ભરતસિંહ સોલંકીની મુલાકાત થઇ નથી તેવું પણ જાણવા મળ્યું છે. ભરતસિંહ ફરીથી પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હોવાનું મનાય છે. જો કે તેઓને પ્રમુખ બનાવવાની તકો ધુંધળી દેખાઇ રહી છે. કારણ કે અર્જુન મોઢવાડિયાનું નામ નિશ્ચિત મનાઇ રહ્યું છે. જેની ટુંક સમયમાં કોંગ્રેસ દ્વારા જાહેરાત થશે.
ગુજરાત કોંગ્રેસમાં નવા ચહેરાઓની નિમણૂંક થઈ શકે
ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચાઓ છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજીનામા આપી દીધા હતા. પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂંક કરાઇ નથી.
બીજીતરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.