Bihar સરકારનું તોફાનીઓને નામ ફરમાન, જો આ કર્યુ તો નહીં મળે સરકારી નોકરી

|

Feb 03, 2021 | 1:12 PM

નીતીશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હુકમનામામાં કહેવાયું છે કે વિરોધ પ્રદર્શનમાં સામેલ વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે.

Biharમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવું યુવાનોને ભારે પડી શકે છે. બિહાર સરકારે તુઘલકી ફરમાન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે રાજ્યમાં જે લોકો હિંસક પ્રદર્શનમાં ભાગ લેશે તેને સરકારી નોકરી નહીં આપવામાં આવે.

અગાઉ નીતિશ સરકારની પોલીસે સોશિયલ મીડિયા પર પણ વિચારપૂર્વક લખવા માટે હુકમનામું બહાર પાડ્યું હતું. બિહાર પોલીસે કોઈપણ લોક પ્રતિનિધિ અથવા સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. જ્યારે હવે નીતીશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હુકમનામામાં કહેવાયું છે કે જો વિરોધ પ્રદર્શન, માર્ગ જામ કે અન્ય કોઈ મામલામાં ધાંધલ ધમાલ થશે અને કાયદો અને વ્યવસ્થા ખોરવાશે તો પ્રદર્શન સામેલ વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે. તેમજ કોન્ટ્રાક્ટ પણ નહીં મળે.

આદેશ અનુસાર થશે કાર્યવાહી
આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન જો લોકો માર્ગ જામ, હિંસા અથવા કોઈક રીતે કાયદો અને વ્યવસ્થામાં મુશ્કેલી સર્જશે તો તેને ગુનાહિત કૃત્ય ગણવામાં આવશે. અને જો પોલીસ તેની સામે ચાર્જશીટ દાખલ કરી દે છે તો પોલીસ વેરિફિકેશનમાં પણ તેનો ઉલ્લેખ કરાશે. આવી સ્થિતિમાં એ વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે અને સરકારી કરાર પણ નહીં થઇ શકે.

રાજ્યસરકારથી જોડાયેલા કરારમાં ચરિત્ર પ્રમાણપત્ર ફરજીયાત બનાવ્યા બાદ ડીજીપી એસ.કે.સિંઘલે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ સંદર્ભે એક વિગતવાર આદેશ જારી કર્યો છે. જેની જરૂરીયાત ઘણા કાર્યો માટે પડશે. જ્યારે ચરિત્ર પ્રમાણપત્ર પણ આ અહેવાલના આધારે જાહેર કરવામાં આવશે. પોલીસ વેરિફિકેશન રિપોર્ટ દરમિયાન શું કાળજી લેવી અને કયા મુદ્દાની તપાસ કરવી તે પણ આ હુકમમાં કહેવામાં આવ્યું છે.

વિપક્ષે કહ્યું યુવાનોને ડરાવવામાં આવી રહ્યા છે
બિહારના ડીજીપી એસ.કે.સિંઘલ દ્વારા જાહેર કરાયેલા આદેશ બાદ ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આદેશ લોકશાહી પર હુમલો છે. પાટનગર પટનામાં વિવિધ મુદ્દાઓ પર વિરોધીઓ રસ્તા પર આવે છે. અને આવી સ્થિતિમાં યુવાનોને સરકારી નોકરીથી વંચિત રાખવા કેટલા યોગ્ય છે.

આ બાબતને લઈને તેજસ્વી યાદવે ટ્વિટ કરતા લખ્યું હતું કે ‘નીતિશ કુમાર, મુસોલિની અને હિટલરને પડકાર આપી રહ્યા છે, કહે છે કે જો કોઈ સત્તાના વિરોધમાં લોકશાહી અધિકારનો કરશે તો તેને સરકારી નોકરી મળશે નહીં. મતલબ કે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ નહીં કરવા દે.
બેચારા 40 બેઠકોના મુખ્ય પ્રધાનો કેટલા ડરેલા છે?’

 

Next Video