મગફળીમાં ફરી થઇ છે ઘાલમેલ. આ આરોપ લગાવ્યો છે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ. પાલ આંબલિયાએ દાવા સાથે તંત્ર પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કિસાન કોંગ્રેસે માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં જનતા રેડ કરી હતી. જેમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી બદલી નાખવામાં આવી હોવાનો આરોપ પાલ આંબલિયાએ લગાવ્યો હતો.
પાલ આંબલિયાનો દાવો છેકે 8 પેરામીટરમાંથી પાસ થયેલી સારી મગફળી વેરહાઉસમાં રિજેક્ટ થઇ. જેનો સીધો મતલબ થાય છે કે સારી ગુણવત્તા વાળી મગફળી બદલી કાઢવામાં આવી છે. જોકે રિજેક્ટ થયેલી મગફળીની ગુણો હાથથી સિવેલી હોવાનો પણ તેઓએ દાવો કર્યો. ત્યારે ખેડૂતોની મગફળીમાં કોણે ઘાલમેલ કરી તે સવાલ તપાસનો વિષય બન્યો છે. એક તરફ પાલ આંબલિયા કૌભાંડનો આરોપો લગાવી રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓ પુરાવા માગી રહ્યા છે. કૌભાંડના આરોપ સામે પુરવઠા મામલતદારે સ્પષ્ટતા કરી છે કે પાલ આંબલિયા માત્ર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ તેમની પાસે કોઇ પુરાવા નથી. જો પુરાવા આપવામાં આવશે તો તંત્ર કાર્યવાહી કરશે.